બાળપણમાં આપણે ચાંદા મામા વિશે ઘણી વાર્તાઓ સાંભળી છે, પણ શું તમે જાણો છો કે કરોડો વર્ષોથી પૃથ્વી સાથે રહેલો ચંદ્ર ધીમે-ધીમે સંકોચાઈ રહ્યો છે? તાજેતરમાં જ આ અંગે એક મહત્વપૂર્ણ સંશોધન સામે આવ્યું છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના પ્લેનેટરી સાયન્સના પ્રોફેસર જયેશ પાબારીએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.
અમેરિકાના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ 'પ્લેનેટરી સાયન્સ જર્નલ'માં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 40 કરોડ વર્ષોમાં ચંદ્ર 148 ફૂટ સંકોચાઈ ગયો છે. આ રિપોર્ટ પછી વૈજ્ઞાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. પ્રોફેસર પાબારી જણાવે છે કે સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણથી ચંદ્રની સપાટી પર નાની ભેખડો અથવા તિરાડો દેખાય છે, જે દર્શાવે છે કે ચંદ્રનો એક ભાગ થોડો ઉપર તો બીજો ભાગ નીચે થઈ ગયો છે. આ સંકોચનનો દર લગભગ 11 સેન્ટીમીટર પ્રતિ 10 લાખ વર્ષ છે.
ચંદ્ર સંકોચાવાનું કારણ એ છે કે તેની અંદરની ગરમી ધીમે-ધીમે ઘટી રહી છે, જેને કુલિંગ કહેવાય છે. જેમ ગરમી ઘટે છે તેમ ચંદ્રની સપાટી પરની જમીન કે ધૂળ દબાતી જાય છે અને ચંદ્રનો કુલ વિસ્તાર ઘટતો જાય છે. પરંતુ તેનું વજન એટલું જ રહે છે, જેથી તેની ડેન્સિટી પર અસર પડી શકે છે.
હવે પ્રોફેસર પાબારીના સંશોધનમાં એક બીજી ચોંકાવનારી વાત સામે આવી છે. ચંદ્ર પર બહારથી સ્પેસ ડસ્ટ અથવા ઇન્ટર પ્લેનેટરી ડસ્ટ પાર્ટિકલ્સ (IDP) સતત આવીને જમા થાય છે. ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી આ કણો સીધા સપાટી પર પહોંચે છે. કેટલાક કણો પાછા સ્પેસમાં પણ જાય છે. પ્રોફેસર પાબારીએ 2020માં કરેલા સંશોધનમાં 'ઇમ્પેક્ટ થિયરી'નો ઉપયોગ કરીને પ્રથમ વખત 'લુનાર એસ્કેપ પ્રોસેસ' રિપોર્ટ કરી હતી, જેમાં ચંદ્રની સપાટી પરથી ડસ્ટ અને બરફ બહાર નીકળવાની ઘટના સામેલ છે. તારણ એ છે કે ચંદ્ર થોડો ઘટી રહ્યો છે, પરંતુ બહારથી આવતી ડસ્ટ વધારે હોવાથી તેનું વજન વધી રહ્યું છે.
ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર કાયમી અંધકારમય વિસ્તારો (PSR) આવેલા છે, જ્યાં ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચતો નથી. ત્યાં પાણીનો બરફ (વોટર આઇસ) આવેલો છે. જ્યારે બહારની ડસ્ટ તેના પર અસર કરે છે ત્યારે ઇજેક્ટા ફાઉન્ટેન જેવી ઘટના બને છે, જેમાં પાણીના બરફનો થોડો ભાગ સ્પેસમાં ફેંકાય છે. પ્રોફેસર પાબારીના અંદાજ મુજબ દર વર્ષે લગભગ 6 કિલો બરફ ચંદ્ર પરથી સ્પેસમાં જાય છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે, પરંતુ લાંબા ગાળે ચંદ્રનો પાણીનો બરફ ઘટી શકે છે.
આ સંશોધન દર્શાવે છે કે ચંદ્ર સતત બદલાતો રહે છે. તે નાનો પણ થાય છે અને બહારથી આવતી ડસ્ટથી તેનું વજન પણ વધે છે. આ અભ્યાસ ભવિષ્યમાં ચંદ્ર પર જીવનની શક્યતાઓ અને ત્યાંના પર્યાવરણને સમજવામાં મદદરૂપ થશે.