સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતની અર્થવ્યવસ્થા G20માં સૌથી ઝડપી: મૂડીઝે વૃદ્ધિ દર 6%થી 7% કર્યો

ભારતની અર્થવ્યવસ્થા G20માં સૌથી ઝડપી: મૂડીઝે વૃદ્ધિ દર 6%થી 7% કર્યો

આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા G-20 દેશોમાં સૌથી ઝડપથી વધે તેવી ધારણા છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે આ અંદાજ આપ્યો છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6%થી વધારીને 7% કર્યો છે.

મૂડીઝના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષની ભારતીય અર્થવ્યવસ્થા પર અપેક્ષા કરતાં ઘણી ઓછી અસર થઈ છે. મજબૂત સ્થાનિક વપરાશ, સરકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, ખાનગી રોકાણમાં સુધારાના સંકેતો અને સેવા ક્ષેત્રની સતત મજબૂતીએ ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ જાળવી રાખી છે.

મૂડીઝનો નવો અંદાજ IMF, RBI અને S&P જેવી અન્ય સંસ્થાઓ કરતાં ઘણો ઊંચો છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે અન્ય એજન્સીઓએ વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે તેમના અંદાજ ઘટાડ્યા હતા, ત્યારે મૂડીઝે ભારતના વૃદ્ધિ દર અંગે વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મૂડીઝના રિપોર્ટ પ્રમાણે, ભારતની આ વૃદ્ધિ પાછળ ઘરેલું માંગ સૌથી મોટું કારણ છે. દેશમાં ખાનગી વપરાશ મજબૂત થયો છે અને મૂડી નિર્માણ (ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન)માં પણ તેજી જળવાઈ છે. કંપનીઓ અને ખાનગી ક્ષેત્રમાં નવા રોકાણના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સતત મજબૂત છે, જેનાથી અર્થવ્યવસ્થાને બાહ્ય આંચકામાંથી બહાર આવવામાં મદદ મળી છે.

મૂડીઝે ભારતની સોવેરિન ક્રેડિટ રેટિંગ 'Baa3' પર જાળવી રાખી છે અને દેશનો આઉટલુક 'સ્ટેબલ' રાખ્યો છે. એજન્સીના મતે ભારતની અર્થવ્યવસ્થા ઘણી મોટી અને વૈવિધ્યસભર છે. જોકે, સરકાર પરનું દેવાનું ભારણ અને નીચી માથાદીઠ આવક હજુ પણ પડકારરૂપ છે.

મૂડીઝે ચેતવણી પણ આપી છે કે GDP વૃદ્ધિનો અંદાજ વધારવા છતાં જોખમો સંપૂર્ણપણે ટળ્યા નથી. જો મધ્ય પૂર્વમાં યુદ્ધ લંબાય તો ક્રૂડ ઓઇલના ભાવ વધી શકે છે. તેલ મોંઘું થવાથી નાણાકીય વર્ષ 2026-27માં મોંઘવારીનો દર મૂડીઝના 4.8%ના અંદાજથી ઉપર જઈ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં તે 2.4% હતો. હવામાન સંબંધી અનિશ્ચિતતાને કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધી શકે છે, જેનાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ પર અસર પડી શકે છે. જોકે, ભારતનો વિશાળ વિદેશી મુદ્રા ભંડાર અને ક્રૂડ ઓઇલના વિવિધ સ્રોત આ બાહ્ય ઝટકાઓથી બચાવમાં મદભર બનશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર રાજકોષીય ખાધ ઘટાડવાના લક્ષ્ય પર કાયમ છે. તેનો લક્ષ્ય ખાધને ગયા વર્ષના 4.4%થી ઘટાડીને નાણાકીય વર્ષ 2026-27માં 4.3% પર લાવવાનો છે. પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જાના ભાવ વધે તો સરકારને સબસિડીનો બોજ ઉઠાવવો પડી શકે છે. વધુમાં, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચની જરૂરિયાતને કારણે સરકારી દેવામાં ઝડપી ઘટાડો મુશ્કેલ બની શકે છે.