સત્ય. સાહસ. સંકલ્પ.

ચોમાસું 19 સપ્ટેમ્બરે વિદાય લેવાની શક્યતા, સીઝનમાં વરસાદ 15% ઓછો

ચોમાસું 19 સપ્ટેમ્બરે વિદાય લેવાની શક્યતા, સીઝનમાં વરસાદ 15% ઓછો

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે અંતિમ તબક્કામાં છે. હવામાન વિભાગ (IMD) મુજબ, પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તે લગભગ બે દિવસ મોડી શરૂ થવાની શક્યતા છે.

જોકે, ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે તે પહેલાં દેશના ઘણા ભાગોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં વરસાદ ઓછો થવાની આગાહી પણ છે.

આ સીઝનમાં દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે. 13 સપ્ટેમ્બર સુધી ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 15 ટકા ઓછો નોંધાયો હતો. જૂનમાં ઘટ 40 ટકા સુધી પહોંચી ગઈ હતી. જુલાઈમાં વ્યાપક વરસાદને કારણે ઘટ ઘટીને 13 ટકા થઈ, ઓગસ્ટના અંતે 14 ટકા અને 13 સપ્ટેમ્બર સુધીમાં ફરી 15 ટકા થઈ ગઈ.

ચોમાસાની શરૂઆત નબળી રહેવાથી ખરીફ પાકની વાવણી અને શરૂઆતની કૃષિ પ્રવૃત્તિઓ પર અસર પડી હતી. જુલાઈમાં ચોમાસું સક્રિય થતાં સ્થિતિમાં સુધારો થયો.

IMD અનુસાર, આ ચોમાસા પર મજબૂત બની રહેલા અલ નીનોની અસર પણ પડી છે. અલ નીનો સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે, પરંતુ તેની અસર દેશભરમાં એકસરખી રહેતી નથી. IMDએ 31 ઓગસ્ટે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી હતી. વિભાગના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના 91 ટકાથી ઓછો રહી શકે છે.

ચોમાસાની વિદાય માત્ર કેલેન્ડરની તારીખના આધારે જાહેર થતી નથી. IMD અનેક હવામાન પરિસ્થિતિઓ ધ્યાનમાં લે છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 19 સપ્ટેમ્બરની આસપાસ પરિસ્થિતિઓ અનુકૂળ બની શકે છે, તેથી 19 સપ્ટેમ્બરને ચોમાસાની સંપૂર્ણ વિદાયની તારીખ ન માનવી જોઈએ. તે માત્ર ચોમાસું પાછું જવાની પ્રક્રિયા શરૂ થવાનો સંકેત છે.

વિદાયની પ્રક્રિયા શરૂ થયા બાદ પણ ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. IMD મુજબ, 17 સપ્ટેમ્બર સુધી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વ્યાપક વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 16-17 સપ્ટેમ્બરે વરસાદ થઈ શકે છે. પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં 15થી 17 સપ્ટેમ્બર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં 18 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 20 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કેરળ અને માહેમાં 16 સપ્ટેમ્બર સુધી અને દક્ષિણ કર્ણાટકમાં 15 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના દરિયાકાંઠા વિસ્તારોમાં 18થી 20 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થઈ શકે છે. મધ્ય ભારતમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં 20 સપ્ટેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 20 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહી શકે છે. ગુજરાતમાં 22 સપ્ટેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

આ ચોમાસાની મોટી બાબત માત્ર વરસાદ ઓછો પડ્યો તે નથી, પરંતુ દેશના વિવિધ ભાગોમાં વરસાદનું વિતરણ પણ ખૂબ અસમાન રહ્યું છે. 13 સપ્ટેમ્બર સુધી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં વરસાદની ઘટ લગભગ 28 ટકા હતી. IMDના આંકડા મુજબ, મેઘાલયમાં 59 ટકા, આંધ્ર પ્રદેશમાં 43 ટકા, અરુણાચલ પ્રદેશમાં 42 ટકા, પંજાબમાં 40 ટકા અને બિહારમાં 35 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. કર્ણાટકમાં 29 ટકા, કેરળમાં 27 ટકા, તમિલનાડુમાં 26 ટકા, રાજસ્થાનમાં 25 ટકા, હરિયાણામાં 23 ટકા અને તેલંગાણામાં 20 ટકા ઘટ છે. ગુજરાતમાં સીઝનના વરસાદમાં 12થી 13 ટકા ઘટ છે.