દેશમાંથી ચોમાસું ટૂંક સમયમાં વિદાય લઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી 19 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આ સાથે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.
આ વર્ષે 1 જૂનથી 13 સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સામાન્ય કરતાં 15 ટકા ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે ખરીફ પાકોની વાવણીમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત, જળાશયોમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું જળસ્તર જોવા મળ્યું છે.
હવામાન વિભાગે 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
આજે બપોર બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમ રાજસ્થાનથી કચ્છ તરફ આગળ વધશે. જો કે, 17 અને 18 સપ્ટેમ્બરે વરસાદી ઝાપટાં પડી શકે છે.
ગુજરાતમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 84.38 ટકા વરસાદ થયો છે, જે સામાન્ય સરેરાશ કરતાં 17 ટકા ઓછો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 48.62 ટકા વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.