સત્ય. સાહસ. સંકલ્પ.

ચોમાસું પરત ખેંચાયું: 23 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વિદાય, 8 રાજ્યોમાં સૂકું હવામાન

ચોમાસું પરત ખેંચાયું: 23 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વિદાય, 8 રાજ્યોમાં સૂકું હવામાન

હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું પરત ખેંચાયાની સત્તાવાર જાહેરાત કરી છે. 19 સપ્ટેમ્બરથી વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 23 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું વિદાય લેશે તેવી સંભાવના છે.

આ વર્ષે 4 જૂને કેરળમાંથી શરૂ થયેલો નૈઋત્યનો ચોમાસો 19 સપ્ટેમ્બરે પશ્ચિમ રાજસ્થાનના રામગઢ અને ફાલોડી સુધી પરત ખેંચાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ચોમાસું પરત ખેંચાય તે માટે હાલ સાનુકૂળ સંજોગો છે.

રાજ્યમાં 20 સપ્ટેમ્બરથી ભારે કે ગાજવીજ સાથેના વરસાદનું કોઈ એલર્ટ નથી. પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને ઉત્તર પ્રદેશથી ગુજરાત થઈને સૌરાષ્ટ્રના દરિયા અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી વરસાદ લાવતો ટ્રફ યથાવત્ છે. તેના કારણે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ ચાલુ રહેશે.

દેશમાં દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસમાં સૂકું હવામાન થવાની આગાહી છે. બીજી તરફ, આંદામાન દરિયામાં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થતાં અને તે તીવ્ર બનવાની સંભાવના હોવાથી બંગાળની ખાડીથી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ સુધી વરસાદી ગતિવિધિ વધશે. પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, આંદામાન દ્વીપસમૂહ, કર્ણાટક, કેરળ અને ઝારખંડમાં એક સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી છે.

દેશભરમાં આજ સુધીમાં 697 મિમી (આશરે 27.75 ઇંચ) વરસાદ થયો છે, જે સામાન્ય સરેરાશ 32.50 ઇંચ કરતાં 15 ટકા ઓછો છે. ગુજરાતમાં વરસાદની ખાધ 7 ટકા છે, જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, પોરબંદર, જામનગરથી કચ્છ સુધીના વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે છે.