સત્ય. સાહસ. સંકલ્પ.

દેશના 51% વિસ્તારમાં ચોમાસું નબળું, ગુજરાતમાં 10% વરસાદની ખાધ

દેશના 51% વિસ્તારમાં ચોમાસું નબળું, ગુજરાતમાં 10% વરસાદની ખાધ

રાજકોટ: આ વખતે અલ નીનોના કારણે ચોમાસું નબળું રહેવાની આગાહી અગાઉથી કરવામાં આવી હતી. હવામાન વિભાગે 90 ટકા વરસાદનું અનુમાન કર્યું હતું. હવે 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ત્યારે 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીના આંકડા જોઈએ તો દેશના કુલ 36 પેટાવિભાગો પૈકી સૌરાષ્ટ્ર સહિત 19 વિભાગોમાં વરસાદની ખાધ છે. આ વિભાગો દેશના 51 ટકા વિસ્તારમાં આવે છે. જ્યારે 49 ટકા વિસ્તાર ધરાવતા 17 પેટાવિભાગોમાં વરસાદ નોર્મલ રહ્યો છે.

ગુજરાતમાં એકંદરે વરસાદમાં 10 ટકાની ખાધ છે. પેટાવિભાગ મુજબ સૌરાષ્ટ્રમાં 23 ટકાની ખાધ છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું નોર્મલ રહ્યું છે. આમ, ગુજરાતની વરસાદી ખાધ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં થયેલા મોટા ઘટાડાને કારણે છે.

નૈઋત્યના ચોમાસામાં દેશમાં આજ સુધીમાં સામાન્ય સરેરાશ 807 મિ.મિ. (32.25 ઇંચ) વરસાદ થતો હોય છે. આ વર્ષે આ સમયગાળામાં 686 મિ.મિ. (આશરે 27.50 ઇંચ) વરસાદ વરસ્યો છે. એટલે કે દેશના ચોમાસામાં 15 ટકાની ખાધ પડી છે.

દરમિયાન, હવામાન વિભાગે આગામી પખવાડિયાનું, 1 ઓક્ટોબર સુધીની મોસમનું પૂર્વાનુમાન જારી કર્યું છે. તે મુજબ 17થી 23 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વ્યાપક વરસાદને બાદ કરતા એકંદરે દેશમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. જ્યારે 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ નોર્મલ રહેવાનું પૂર્વાનુમાન છે. આ બન્ને સપ્તાહોમાં તાપમાન સામાન્યથી ઊંચું રહેશે.