સત્ય. સાહસ. સંકલ્પ.

વણેસામાં દીપડી પર નોળિયાનો હુમલો: ગુજરાતમાં પ્રથમ વખત કેમેરામાં કેદ

વણેસામાં દીપડી પર નોળિયાનો હુમલો: ગુજરાતમાં પ્રથમ વખત કેમેરામાં કેદ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામે દુર્લભ ઘટના સામે આવી છે. અહીં એક નોળિયાએ દીપડી પર હુમલો કર્યો અને તેને ભગાડી મૂકી. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.

ગ્રામજન આયુષ હળપતિ સાંજે ભિમાડાથી અમલસાડી દૂધ મંડળી જઈ રહ્યા હતા ત્યારે ભિમાડા અને ગોટિયા ફળિયા વચ્ચેની પડતર જગ્યામાં દીપડી બેઠેલી જોઈ. તેમણે તરત જ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના જતીન રાઠોડને જાણ કરી. જતીન રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરતા જાણવા મળ્યું કે તે અઢી વર્ષની દીપડી છે, જે શિકારની શોધમાં બેઠી હતી.

થોડી વાર પછી દીપડીએ નોળિયા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. નોળિયાએ પણ પાછો હુમલો કર્યો અને દીપડીનું મોઢું પકડીને બે ગુલાટી મારી. નોળિયો ભાગ્યો નહીં, પરંતુ દીપડી તરફ આગળ વધ્યો. આથી દીપડી શિકાર કર્યા વિના ભાગી ગઈ.

આખી ઘટના જતીન રાઠોડે તેમના કેમેરામાં કેદ કરી છે. ચારથી પાંચ મિનિટની આ ઘટના દર્શાવે છે કે નાનું કદ હોવા છતાં હિંમતથી મોટા શિકારી પણ પાછળ હટે છે.

સુરત ડીસીએફ ધીરજ કુમારે જણાવ્યું કે દીપડાનો ખોરાક વૈવિધ્યપૂર્ણ હોય છે અને તે 1-2 કિલોથી 30-40 કિલો સુધીના પ્રાણીઓનો શિકાર કરી શકે છે. નોળિયો સામાન્ય રીતે દીપડાનો ખોરાક નથી, પરંતુ તક મળે તો તે ખાઈ શકે છે. આવી ઘટનાઓ 2થી 4 વર્ષના ઓછા અનુભવી દીપડાઓમાં વધુ જોવા મળે છે.

2023ની ગણતરી મુજબ સુરત જિલ્લામાં 103 દીપડા છે. વન વિભાગ દ્વારા દીપડાને જંગલમાં જ ખોરાક મળે તે માટે માંડવી ખાતે હરણ અને જંગલી મરઘા માટે બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયા છે.