સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની અભિનેત્રી મોનલ ગજ્જરે થાઇરોઇડ કેન્સર સામે જીત મેળવી, ચાહકોને સ્વાસ્થ્ય તપાસની અપીલ

અમદાવાદની અભિનેત્રી મોનલ ગજ્જરે થાઇરોઇડ કેન્સર સામે જીત મેળવી, ચાહકોને સ્વાસ્થ્ય તપાસની અપીલ

અમદાવાદની રહેવાસી અને ગુજરાતી, હિન્દી તથા તેલુગુ ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરે તેમની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે જાહેરમાં માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તબીબી તપાસમાં તેમને પેપિલરી થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ડોકટરોની સલાહ મુજબ તેમની સર્જરી કરવામાં આવી છે.

મોનલે જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને તે હાલમાં સ્વસ્થ થઈ રહ્યા છે. ગુજરાતી ઉપરાંત તેલુગુ અને કેટલીક તમિલ ફિલ્મોમાં કામ કરનાર મોનલે તેલુગુ બિગ બોસની ચોથી સીઝનમાં ભાગ લઈને ટેલિવિઝન દર્શકોમાં પણ ઓળખ બનાવી હતી. 2012માં તેલુગુ ફિલ્મ 'સુદીગાડુ'થી તેમણે અભિનયની શરૂઆત કરી હતી અને 2021માં હિન્દી ફિલ્મ 'કાગઝ'માં પણ જોવા મળ્યા હતા.

આ પ્રસંગે તેમણે ચાહકોને એક મહત્વનો સંદેશ આપ્યો છે. કારકિર્દી કે અંગત જીવનમાં કેટલાય વ્યસ્ત હોવા છતાં સ્વાસ્થ્યને અવગણવું ન જોઈએ, એવી સલાહ તેમણે આપી છે. શરીરમાં બીમારીનાં કોઈ લક્ષણ દેખાય તો તરત ડોકટરનો સંપર્ક કરવો અને નિયમિત આરોગ્ય તપાસનું સમયપત્રક રાખવું, એવી તેમણે વિનંતી કરી છે. તેમણે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસીનું મહત્વ પણ ચાહકોને યાદ કરાવ્યું છે.

સોશિયલ મીડિયા પર ચાહકો તેમને ઝડપી સ્વસ્થતા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.