અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે અંતિમ બોલે ચોગ્ગો ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ઓલરાઉન્ડર મોહિત ઉલવાની સફળતાથી તેના વતન લખતર અને કર્મભૂમિ જામનગરમાં ઉત્સાહનો માહોલ છે. ઓમાનના મેદાનમાં મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
જામનગરના 450 મીટરના ગ્રાઉન્ડ પર રોજ 25 ચક્કર લગાવવા, દોઢ કલાક ફિટનેસ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરવી અને રણજીતસાગર સુધી દોડવાનો સખત પરિશ્રમ મોહિતે કર્યો છે. પુત્રને ક્રિકેટર બનાવવા માટે પિતાએ ઘરે જ પ્રેક્ટિસ નેટ્સ તૈયાર કર્યા હતા. નોકરી સિવાયનો તમામ સમય તેઓ મોહિતને આપતા અને દરરોજ 500 બોલ ફેંકીને તેની સખત બેટિંગ પ્રેક્ટિસ કરાવતા હતા. પિતા-પુત્રની આ સતત 9 વર્ષની મહેનત આજે આંતરરાષ્ટ્રીય મંચ પર રંગ લાવી છે.
સુરેન્દ્રનગર રહેતા મોહિતના દાદી વિજુબેન ઉલવાએ આંખોમાં આનંદના આંસુ સાથે જણાવ્યું કે, મોહિતને લખતરથી દાદાને મૂકીને રાજકોટ જવું ગમતું નહોતું. તે હંમેશા કહેતો કે દાદા, હું તમારા માટે બંગલો બનાવીશ અને તમારી સાથે જ રહીશ. આજે તેણે અમારા સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે.
મોહિતની આ ઐતિહાસિક જીત બાદ રવિન્દ્ર જાડેજાને તાલીમ આપી ચૂકેલા જામનગરના ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ભાવુક થઈ ગયા હતા. મોહિતના સંઘર્ષને યાદ કરતા તેમણે જણાવ્યું કે, મોહિત 8-9 વર્ષનો હતો ત્યારે જામનગરના ક્રિકેટ બંગલા ખાતે કોચિંગ માટે આવ્યો હતો. તેના પિતા રેલવે પોલીસમાં હોવાથી તેણે અંડર-14 સુધીના 5-6 વર્ષ જામનગરમાં જ પ્રેક્ટિસ કરી. પિતાની બદલી રાજકોટ થતાં વધુ સારી તકો માટે કોચે જ તેને રાજકોટ જવા સમજાવ્યો હતો. આજે પણ મોહિત જ્યારે જામનગર આવે છે ત્યારે અચૂક કોચને પગે લાગી આશીર્વાદ લે છે. જામ રણજી, વિનુ માંકડ અને રવિન્દ્ર જાડેજાની ફળદ્રુપ ભૂમિમાં મોહિતે વધુ એક સુવર્ણ નામ ઉમેર્યું હોવાનું કોચે ગર્વભેર જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે રહેતા મોહિતના પરિવાર અને રબારી સમાજમાં ખુશીની લહેર છે. ખેતીવાડી શાખામાં પટ્ટાવાળા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર મોહિતના દાદા લક્ષ્મણ ઉલવા બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ મોબાઈલમાં પૌત્રનો ફોટો જોઈને તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા.
મોહિતના મોટા મમ્મી હસુબેન ઉલવાએ તેના તોફાની બાળપણને યાદ કરતા કહ્યું કે, સ્વર્ગવાસી જેઠ વિષ્ણુભાઈની ઈચ્છા હતી કે મોહિત કુળને દીપાવે, જે આજે પૂરી થઈ છે. પરિવારના સભ્ય જાહન્વી ઉલવા જણાવે છે કે, મોહિત હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર બનવાનું સપનું જુએ છે અને અંતિમ બોલે બાઉન્ડરી પરના ફિલ્ડરને જોઈને તેણે મારેલો વિજયી ચોગ્ગો કુળદેવી ચામુંડા અને ભગવાન કૃષ્ણના આશીર્વાદનું ફળ છે.
લખતરના સામાન્ય પરિવારમાંથી આવતા અને જામનગર તથા રાજકોટના મેદાનો પર ઘડાયેલા મોહિત ઉલવા હવે જલદી ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વરસી રહી છે.