સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપ ફાઈનલમાં મોહિત ઉલ્વાની ધમાકેદાર ઇનિંગ, પિતાએ કહ્યું- 'દીકરાની 9 વર્ષની મહેનત રંગ લાવી'

અંડર-19 એશિયા કપ ફાઈનલમાં મોહિત ઉલ્વાની ધમાકેદાર ઇનિંગ, પિતાએ કહ્યું- 'દીકરાની 9 વર્ષની મહેનત રંગ લાવી'

રાજકોટના મોહિત ઉલ્વાએ અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે અણનમ 49 રન ફટકારીને ભારતને જીત અપાવી છે. 14 સપ્ટેમ્બરે ઓમાનમાં રમાયેલી આ ફાઈનલમાં મોહિત 10મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 26 બોલમાં 49 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગને કારણે ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતિમાંથી વિજેતા બની હતી.

મોહિતનો જન્મ 30 ડિસેમ્બર 2007ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં રબારી પરિવારમાં થયો હતો. તેના પિતા મહેશભાઈ રાજકોટમાં RPFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મોહિતે 9 વર્ષની ઉંમરે જામનગરમાં ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી, જ્યાં તેના પિતા તે સમયે ફરજ પર હતા. જામનગરનું ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડ, જ્યાંથી રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ શીખ્યું હતું, ત્યાં જ મોહિતે પણ પ્રાથમિક તાલીમ લીધી. રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે જ મોહિતને ક્રિકેટના પાઠ શીખવ્યા હતા.

મોહિતના પિતા મહેશભાઈએ જણાવ્યું કે, 'સાડા નવ વર્ષની મહેનત, સંઘર્ષ અને સતત પ્રેક્ટિસથી મોહિત આજે સફળ થયો છે. જ્યારે તેણે ચોગ્ગો માર્યો અને ભારતને જીત અપાવી, ત્યારે અમારા આનંદની હદ ન રહી. તેની મહેનત રંગ લાવી છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'મોહિત પહેલા બોલથી જ મિડલ ઓફ ધ બેટ રમતો હતો અને તેના બોડી લેંગ્વેજમાં આત્મવિશ્વાસ દેખાતો હતો કે આજે તે મેચ ફિનિશ કરશે. મારી ઇચ્છા છે કે તે આગળ ભારત દેશ માટે રમે.'

મોહિતના બોલર તરીકેના રોલ મોડલ ડેલ સ્ટેન છે, જ્યારે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા છે. તેના પિતાએ જણાવ્યું કે, નોકરી સિવાયના સમયમાં તે દીકરાને બેટિંગ મશીનથી રોજના 400થી 500 દડાની પ્રેક્ટિસ કરાવતા હતા.

મોહિતની નાની બહેન કૃપાલીએ જણાવ્યું કે, 'મોહિત મારાથી 3 વર્ષ મોટો છે. તેણે 12મું પાસ કર્યું છે. અભ્યાસ અને ક્રિકેટ બંને સાથે લઈને ચાલવું અઘરું હતું, છતાં તેણે મહેનત ચાલુ રાખી. પપ્પાએ તેની પાછળ ખૂબ મહેનત અને ત્યાગ કર્યો છે. પરિવારના સહયોગથી જ તે આ મુકામે પહોંચ્યો છે. ભવિષ્યમાં તે ભારતનું નામ રોશન કરશે એવી અમને આશા છે.'

મોહિતની માતા હંસાબેને જણાવ્યું કે, 'આજે અમારા ઘરમાં દિવાળી જેવો માહોલ છે. દીકરાની સફળતાથી અમે ખૂબ ખુશ છીએ.' પરિવારજનોએ મીઠાઈ વહેંચીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

મોહિતની આ સફળતા પર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિત ગુજરાત અને દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.