સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપ હીરો મોહિત ઉલવાને સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં સ્થાન

અંડર-19 એશિયા કપ હીરો મોહિત ઉલવાને સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં સ્થાન

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર મોહિત ઉલવાને તેની મહેનતનું ફળ મળ્યું છે. 18 વર્ષીય મોહિતની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

SCAના પ્રમુખ જયદેવ શાહે આ નિર્ણયની પુષ્ટિ કરતાં જણાવ્યું કે મોહિતને સીધા ઇન્દોર પહોંચીને ટીમ સાથે જોડાવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમ હાલ ઇન્દોરમાં SMAT રમી રહી છે, જ્યાં મોહિત પોતાની બેટિંગથી ટીમને મજબૂતી આપશે.

મોહિત સુરેન્દ્રનગરના સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલ રાજકોટમાં રહીને ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે. જયદેવ શાહે તેની પ્રશંસા કરતાં કહ્યું કે મેદાન પર તેણે જે જુસ્સો અને સંઘર્ષ દાખવ્યો તે પ્રશંસનીય છે. SCA યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે અને મોહિત સિનિયર ટીમ માટે ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે ઓમાનના મસ્કત ખાતે રમાયેલી અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાની સમર્થકોની ભીડ વચ્ચે મોહિતે 26 બોલમાં 49 રન ફટકાર્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. દબાણ હેઠળ તેણે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 1 વિકેટથી ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીતની ઉજવણી સમગ્ર દેશ અને ગુજરાતમાં થઈ હતી.