અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતે યાદગાર જીત મેળવી હતી. જામનગરના મોહિત ઉલવાએ 26 બોલમાં અણનમ 49 રન ફટકારી ભારતને 1 વિકેટે જીત અપાવી હતી. મોહિતના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે આ જીત ટીવી પર જોઈ ન હતી, કારણ કે તેઓ શિષ્યોની હારથી દુઃખી થાય છે. 7 વર્ષની ઉંમરથી તાલીમ લેતા મોહિતે રવિન્દ્ર જાડેજાને આદર્શ માનીને પ્રેરણા મેળવી છે.
અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતને યાદગાર જીત અપાવનાર મોહિત ઉલવાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ભારતીય ટીમે 252 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં નંબર-10 પર બેટિંગ કરવા ઉતરેલા મોહિતે માત્ર 26 બોલમાં અણનમ 49 રન ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. છેલ્લી બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે ભારતને એક વિકેટથી જીત અપાવી હતી. જો કે, મોહિતની આ ઐતિહાસિક ઇનિંગ અને તેની સફળતા પાછળ તેના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની પણ મહત્ત્વની ભૂમિકા છે. જો કે, તેમણે આ મેચ લાઈવ જોઈ ન હતી.
આ અંગે જામનગરમાં ક્રિકેટ એકેડમી ચલાવતા મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, જ્યારે મારા શિષ્યો મેદાન પર રમતા હોય ત્યારે હું મેચ જોવાનું ટાળું છું. જો ખેલાડી હારી જાય તો મને ખૂબ દુઃખ થાય છે. પાકિસ્તાન સામે મોહિતે કરેલા શાનદાર પ્રદર્શનની જાણ મને ફોન પર સતત આવતા મેસેજથી થઈ હતી. મોહિતની સફળતા પાછળ વર્ષોની મહેનત અને કોચિંગનો બહુ મોટો ફાળો છે.
7 વર્ષની ઉંમરે ઓળખી હતી પ્રતિભા: વર્ષ 2015માં મોહિતના પિતા મહેશભાઈ તેને મહેન્દ્રસિંહ ચૌહાણની એકેડમીમાં લઈ આવ્યા હતા. તે સમયે કોચ આશરે 300 બાળકોને તાલીમ આપતા હતા. જો કે, સાત વર્ષની ઉંમરના મોહિતમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને તેમણે તેને પ્રેક્ટિસ કરવાની તક આપી હતી. જામનગરમાં ઉછરેલો મોહિત ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો મોટો પ્રશંસક છે. તે પણ જાડેજાની જેમ ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવા માગે છે. નોંધનીય છે કે જાડેજાએ પણ જામનગરના ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ પર મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તાલીમ લીધી હતી.
ફિટનેસ માટે અપાતી હતી ‘મિલિટરી ટ્રેનિંગ’: મોહિતને તૈયાર કરવા માટે કોચે તેની ફિટનેસ અને માનસિક મજબૂતી પર ખાસ ધ્યાન આપ્યું હતું. તાલીમ દરમિયાન અઠવાડિયાના છ દિવસ મેદાનના પાંચ ચક્કર લગાવવાના રહેતા હતા, જ્યારે સાતમા દિવસે 25 ચક્કર પૂર્ણ કરવાના રહેતા હતા. કોચ આ અભ્યાસને ‘મિલિટરી ટ્રેનિંગ’ કહેતા હતા. તેમના મતે સારા ક્રિકેટર બનવા માટે ટેકનિકની સાથે શારીરિક અને માનસિક મજબૂતી પણ જરૂરી છે.
સ્પિનર બનવા માગતો હતો મોહિત: મોહિતે ક્રિકેટની શરૂઆત ઓફ સ્પિનર તરીકે કરી હતી. જો કે, તેની ઊંચાઈ અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને કોચે તેને ફાસ્ટ બોલિંગ અપનાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેણે પોતાની બોલિંગમાં ફેરફાર કર્યો હતો. કોચના જણાવ્યાનુસાર, મોહિતની બેટિંગ ક્ષમતા પણ શરૂઆતથી જ સારી હતી. તેઓ માને છે કે મોહિત માત્ર નંબર-10નો બેટર નથી, પરંતુ બેટિંગ કરવા ઉતરે ત્યારે પોતાને સ્પેશિયાલિસ્ટ બેટર માનીને રમે છે. BCCIની જુનિયર પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રીધરન શરથે પણ મોહિતનાં વખાણ કર્યાં હતાં.
મહેન્દ્ર સિંહ ચૌહાણના જણાવ્યાનુસાર, પસંદગી સમિતિ અને સેન્ટર ઓફ એક્સેલન્સના વડા વીવીએસ લક્ષ્મણે એવી ટીમ તૈયાર કરવા પર ધ્યાન આપ્યું હતું, જેમાં નીચલા ક્રમના ખેલાડીઓ પણ બેટિંગ કરી શકે. સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટ રમતી વખતે મોહિતે બેટિંગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેનું શાંત અને સંતુલિત વ્યક્તિત્વ પણ પસંદગીકારોને પ્રભાવિત કરતું હતું. ભારતની ઐતિહાસિક જીત બાદ પણ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની દિનચર્યામાં કોઈ મોટો ફેરફાર થયો નથી. હું મોહિત માટે પ્રાર્થના કરીશ. ત્યારબાદ મારી પાંઉભાજીની હોટલનું કામ સંભાળીશ કારણ કે, કોચિંગની સાથે હું આ વ્યવસાય પણ કરું છું.
કોણ છે મહેન્દ્રસિંહ ચૌહાણ ? જામનગરમાં છેલ્લા ચાર દાયકાથી ક્રિકેટની નવી પ્રતિભાઓને ઘડવાનું કાર્ય કરી રહેલા મહેન્દ્રસિંહ ચૌહાણે રવીન્દ્ર જાડેજા સહિત ઘણા ખેલાડીઓને તાલીમ આપી છે.