મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું 'લાડલી બહેના યોજના' અંગેનું એક નિવેદન ચર્ચામાં છે. ભોપાલના રવીન્દ્ર ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કન્ટેન્ટ ક્રિએટરના સવાલોના જવાબમાં હળવાશથી કહ્યું કે, 'લાડલી બહેના યોજના ખૂબ ખર્ચાળ થઈ ગઈ છે. મુખ્યમંત્રી બનતી વખતે મને તેનો અંદાજો નહોતો.'
છતરપુરની એક બુંદેલી કન્ટેન્ટ ક્રિએટરે મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે સરકાર આટલું કામ કરી રહી છે, તો હવે દીકરીઓ માટે કઈ નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે? જવાબમાં મોહન યાદવે હસતાં-હસતાં કહ્યું, 'આ અંદરની વાત છે… મને શું ખબર હતી કે મુખ્યમંત્રી બનતાં જ આટલો આર્થિક બોજ પડશે! લાડલી બહેના યોજના ખૂબ ખર્ચાળ સાબિત થઈ છે.' તેમણે મજાકમાં ક્રિએટરને એમ પણ કહ્યું કે 'તું હજી આ યોજના માટે યોગ્ય નથી, થોડી મોટી થઈ જા, પછી તને પણ લાભ આપીશું.'
આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ઉમંગ સિંઘરે કહ્યું કે, 'ચૂંટણી પહેલાં બહેનો લાડલી બની જાય છે અને સત્તામાં આવતાં જ તે પરેશાની બની જાય છે. આ જ ભાજપનું અસલી મહિલા સન્માન છે.'
મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેના યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની સહાય આપે છે. આ યોજના પાછળ રાજ્યના ખજાનામાંથી વાર્ષિક 22,680 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. આ યોજના 28 જાન્યુઆરી 2023ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શરૂ કરી હતી, જેમાં શરૂઆતમાં 1000 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું, જે પછી વધારીને 1500 રૂપિયા કરાયું છે.