ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને નવી જવાબદારી મળી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને આગામી રણજી ટ્રોફી માટે તેમને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. પ્રોફેશનલ ક્રિકેટમાં તેમને પહેલીવાર કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
ઓક્ટોબરમાં શરૂ થનારી રણજી ટ્રોફીમાં સિરાજ પોતાની હોમ ટીમ હૈદરાબાદનું નેતૃત્વ કરશે. આ જવાબદારી તેમના માટે પડકારરૂપ હોવાની સાથે મહત્વપૂર્ણ પણ રહેશે.
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ પોલીસમાં DSP તરીકે નિયુક્ત થયા બાદ સિરાજને નવી ઓળખ મળી હતી. હવે ક્રિકેટના મેદાન પર પણ તેઓ કેપ્ટન તરીકે પોતાની નવી ભૂમિકા ભજવશે.
આ રણજી સીઝન સિરાજ માટે બેવડી રીતે મહત્વની બની શકે છે. કેપ્ટનશીપની સાથે તેમને બોલિંગમાં પોતાનું ફોર્મ પાછું મેળવવાની પણ તક મળશે.
સિરાજ તાજેતરમાં શ્રીલંકામાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતા. ત્યારબાદ તે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં સાઉથ ઝોન તરફથી પણ રમ્યા હતા. જોકે, દુલીપ ટ્રોફીમાં તે ખાસ અસર છોડી શક્યા નહોતા. હવે રણજી ટ્રોફીમાં પોતાની હોમ ટીમ માટે રમતી વખતે તેમના પ્રદર્શન પર પણ નજર રહેશે.
આ જવાબદારી સિરાજ માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં પોતાની લય અને આત્મવિશ્વાસ મેળવવાની સારી તક બની શકે છે. હવે જોવાનું રહેશે કે તેઓ કેપ્ટન તરીકે હૈદરાબાદને કેટલી સફળતા અપાવે છે.