ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટેસ્ટ, વનડે અને T20 — ત્રણેય ફોર્મેટની ટીમમાં ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. આ સાથે જ ચાહકોમાં સવાલ ઊભો થયો છે કે શું શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે.
પસંદગીકારોનું ધ્યાન હાલ ટીમના ભવિષ્ય પર છે. તેથી જ ગુર્નૂર બ્રાર, આકિબ નબી, અંશુલ કંબોજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા યુવા બોલરોને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. શમી હવે 36 વર્ષના છે, અને આ ઉંમરે ઝડપી બોલર માટે ટીમમાં વાપસી કરવી સહેલી નથી.
શમીએ છેલ્લે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમતો હતો. તે મેચમાં તેણે 74 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. જોકે, ઘરેલુ ક્રિકેટમાં તે સતત વિકેટ લઈ રહ્યો છે. છેલ્લી રણજી ટ્રોફીમાં તેણે 7 મેચમાં 37 વિકેટ લીધી હતી. વિજય હજારે ટ્રોફીમાં 7 મેચમાં 15 અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 7 મેચમાં 16 વિકેટ લીધી હતી. દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પણ તેણે 7 વિકેટ લીધી હતી.
આ પ્રદર્શન દર્શાવે છે કે શમીમાં હજુ વિકેટ લેવાની ક્ષમતા છે. પરંતુ પસંદગીકારોની યોજનાઓમાં તે હવે ફિટ બેસતો નથી. શક્ય છે કે શમી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરે.