ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલ ખૂબ જ ખાસ બની રહી છે. આ મેચ તેમની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની 100મી મેચ છે. શમી રવિવાર, 6 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમશે.
આ ઐતિહાસિક અવસર પહેલા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા ચેન્નાઈમાં શમીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. CABના પ્રમુખ સૌરવ ગાંગુલી વતી ખજાનચી સંજય દાસે શમીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું.
સન્માન સમારોહમાં શમીને સૌરવ ગાંગુલી દ્વારા સહી કરાયેલી 'નંબર 100' બંગાળ જર્સી, એક વિશેષ સહી કરેલ ક્રિકેટ બોલ અને ચાંદીની ટ્રોફી ભેટમાં આપવામાં આવી. ઈસ્ટ ઝોન ટીમે પણ પોતાના સ્ટાર બોલરને આખી ટીમ દ્વારા સહી કરાયેલી જર્સી ભેટમાં આપી. આ પ્રસંગે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન અને વાઇસ-કેપ્ટન વૈભવ સૂર્યવંશી પણ ઉપસ્થિત હતા.
મોહમ્મદ શમીએ 2010માં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તેણે 99 મેચોમાં 382 વિકેટ લીધી છે, જેમાં 15 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ અને બે વખત મેચમાં 10 વિકેટ લેવાનો સમાવેશ થાય છે.