સત્ય. સાહસ. સંકલ્પ.

મોહમ્મદ શમીનું ટીમ ઇન્ડિયામાં કમબેક મુશ્કેલ, આકાશ ચોપરાનો દાવો

મોહમ્મદ શમીનું ટીમ ઇન્ડિયામાં કમબેક મુશ્કેલ, આકાશ ચોપરાનો દાવો

નવી દિલ્લી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું છે કે મોહમ્મદ શમી માટે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ છે. 49 વર્ષીય ચોપરાએ શનિવારે તેમની યુટ્યુબ ચેનલ પર આ અંગે વાત કરી.

ચોપરાનું કહેવું છે કે પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર એકલા જ શમીની વાપસીના વિરોધમાં નહોતા. આ મુદ્દે પાંચ સભ્યોની સમિતિના તમામ સભ્યોનો એકસરખો મત હતો.

ચોપરાએ કહ્યું, 'જો ભુવનેશ્વર કુમાર પાછા આવ્યા છે, તો શું શમી પણ પાછા આવશે? જો આપણે માની લઈએ કે એક વ્યક્તિ બાકીના સૌને રોકી રહી હતી, તો આપણે આપણી જાતને છેતરી રહ્યા છીએ.'

તેમણે વધુમાં જણાવ્યું, 'એવું નહોતું કે માત્ર તેઓ જ શમીને પસંદ કરવાની વિરુદ્ધમાં હતા અને બાકીના બધા તેમને પસંદ કરવા માંગતા હતા. આ શક્ય નથી, કારણ કે આ પાંચ સભ્યોની પસંદગી સમિતિ છે. મેં પસંદગીકારો સાથે વાત કરી છે અને બધાનો અભિપ્રાય એકસરખો છે. એવું નથી કે ચેરમેને અચાનક કંઈક કહ્યું અને બાકીના બધા તેની સાથે સહમત થઈ ગયા.'

ઉલ્લેખનીય છે કે 36 વર્ષીય ભુવનેશ્વર કુમારને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યા બાદ શમીના કમબેક અંગે ચર્ચા શરૂ થઈ હતી. બે દિવસ પહેલા મોહમ્મદ શમીની બંગાળની રણજી ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.

મોહમ્મદ શમી હાલ ટીમ ઇન્ડિયાથી બહાર છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2025માં રમી હતી. તે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો ભાગ હતો, જેમાં તેણે એક વિકેટ લીધી હતી.