લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ અને બંગાળ વતી રણજી ટ્રોફીમાં રમતા ક્રિકેટર મોહમ્મદ કૈફ વિરુદ્ધ બળાત્કાર અને ધમકી સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે મોહમ્મદ કૈફે લગ્નનું વચન આપીને તેની સાથે યૌન શોષણ કર્યું. પોલીસ પ્રમાણે, ફરિયાદ ૧૩ સપ્ટેમ્બરની સાંજે નોંધાઈ હતી.
આશિયાના પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર રાયે જણાવ્યું કે, પીડિતાએ ફરિયાદમાં કહ્યું છે કે તે વર્ષ ૨૦૨૦માં NCR વિસ્તારમાં રહેતી હતી. તેના પતિ સાથે છુટાછેડા થયા બાદ તે પોતાના બાળકો સાથે રહે છે. આ દરમિયાન તેની મુલાકાત મોહમ્મદ કૈફ સાથે થઈ અને બંને વચ્ચે મિત્રતા થઈ.
પીડિતાના જણાવ્યા અનુસાર, કૈફે લગ્નની વાત કરી. પોતાની હાલની પરિસ્થિતિ અંગે જાણ કરવા છતાં કૈફ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતો.
ફરિયાદ મુજબ, ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ તે કૈફના કહેવાથી કોલકાતા ગઈ હતી. ત્યાં કૈફે તેને એક હોટલમાં રોકીને લગ્નના નામે તેની સાથે બળાત્કાર કર્યો અને ત્યારબાદ યૌન શોષણ ચાલુ રાખ્યું.
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે IPL ૨૦૨૫ ઓક્શન પછી લગ્ન કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ ઓક્શન પૂર્ણ થયા બાદ પણ લગ્ન થયા નહીં. દબાવ આવતાં કૈફે તેના ભાઈ હસીબ અને પરિવારના લોકોને ધમકી આપી લગ્ન કરવાની ના પાડી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
મહિલાનો આરોપ છે કે તે એક એરલાઇનમાં કેબિન ક્રૂ તરીકે નોકરી કરતી હતી, પરંતુ કૈફને તે નોકરી પસંદ ન હોવાથી તેણે તે છોડાવી નાખી. હાલ તે નોકરી વગર ઘરે રહે છે.
ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર રાયના જણાવ્યા અનુસાર કૈફની સાથે તેના ભાઈ હસીબ વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.