મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. એપની કંપનીના સહ-સ્થાપક અને કરોડો રૂપિયાના ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના મુખ્ય આરોપી રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. કેસ સાથે સંકળાયેલા અધિકારીઓએ બુધવારે (4 નવેમ્બર, 2026) આ માહિતી આપી હતી. આ કેસમાં એક અઠવાડિયાની અંદર મળેલી આ બીજી મોટી સફળતા છે.
આ ધરપકડ એ કેસના અન્ય મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યાના થોડા દિવસો બાદ થઈ છે. રવિ ઉપ્પલ પર હજારો કરોડ રૂપિયાના ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટમાં સામેલ હોવાનો આરોપ છે. ઇન્ટરપોલે ઓક્ટોબર 2023માં તેની વિરુદ્ધ રેડ નોટિસ પણ જારી કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનુસાર, રવિ ઉપ્પલ કથિત રીતે હવાલા નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાની લેવડદેવડ સંભાળતો હતો. આ મામલે છત્તીસગઢના નેતાઓ અને અધિકારીઓ સાથેના કથિત સંબંધોની પણ તપાસ ચાલી રહી છે. ભારતીય એજન્સીઓ હવે દુબઈથી તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મહાદેવ એપ દ્વારા ચાલતા ગેરકાયદે સટ્ટાબાજીના કૌભાંડમાં ભારતીય તપાસ એજન્સીઓને થોડા દિવસો પહેલા જ મોટી સફળતા મળી હતી. દેશભરમાં સટ્ટાબાજીની જાળ બિછાવનાર મહાદેવ ઓનલાઈન બુકના મુખ્ય પ્રમોટર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યો હતો. સીબીઆઈ (CBI) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી તેને ઓમાનમાંથી પરત લાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી ભાગેડુ જાહેર થયેલા સૌરભ ચંદ્રકર સીબીઆઈ અને ED માટે મોસ્ટ વોન્ટેડ હતો. તેની વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે રોયલ ઓમાન પોલીસે તેની અટકાયત કરી હતી.
સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે મહાદેવ ઓનલાઈન બુક ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું કથિત ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીનું સિન્ડિકેટ હતું. આ સિન્ડિકેટ દેશના એક ખૂણેથી નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં ફ્રેન્ચાઇઝી પેનલ અને વિવિધ શાખાઓના વિશાળ નેટવર્ક દ્વારા ચલાવવામાં આવતું હતું. છત્તીસગઢ રાજ્ય સરકારની વિશેષ વિનંતી બાદ સીબીઆઈની ટીમે આ કેસ પોતાના હાથમાં લીધો હતો. તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે આ સમગ્ર કૌભાંડનું નિયમન મુખ્યત્વે ભારતમાંથી જ કરવામાં આવતું હતું. હવે સૌરભની પૂછપરછમાં અનેક મોટા નામો બહાર આવે તેવી શક્યતા છે.
આ ગેરકાયદે સિન્ડિકેટ કથિત રીતે ક્રિકેટ, ફૂટબોલ, પત્તાની રમતો અને અન્ય ઓનલાઈન ગેમ્સમાં મોટા પાયે સટ્ટાબાજી કરાવતું હતું. લોકો પાસેથી ઉઘરાવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ છૂપાવવા માટે ભાડાના બેંક ખાતાં, બોગસ વ્યવહારો અને હવાલા ચેનલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સટ્ટાબાજીની આવકનો એક મોટો હિસ્સો ભ્રષ્ટાચારમાં વપરાતો હતો. સિન્ડિકેટને મુશ્કેલી ન પડે તે માટે અમુક સરકારી અધિકારીઓને સુરક્ષા નાણાં (પ્રોટેક્શન મની) ચૂકવવા માટે પણ આ રકમનો ઉપયોગ થતો હતો.
આ તમામ ગુનાઓમાં ED દ્વારા અગાઉથી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ચાર્જશીટ પણ દાખલ કરી દેવાઈ છે. ઓમાન સરકાર તરફથી પ્રત્યાર્પણની ઔપચારિક મંજૂરી મળ્યા બાદ, સીબીઆઈની એક વિશેષ ટીમ મસ્કત પહોંચી હતી. મસ્કતથી તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સીબીઆઈની ટીમ સૌરભ ચંદ્રકરને સહીસલામત ભારત પરત લાવી છે. નિયમો અનુસાર, સૌથી પહેલાં તેનું વિસ્તૃત મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. તબીબી તપાસ પૂર્ણ થયા બાદ, સૌરભ ચંદ્રકરને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આગળની કડક કાર્યવાહી માટે રાયપુર લઈ જવામાં આવશે. ત્યાં સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ એજન્સીઓ તેના રિમાન્ડ મેળવીને ષડયંત્રના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરશે.