સત્ય. સાહસ. સંકલ્પ.

મોદીના શિક્ષક એચ.સી. પટેલે વિવાદ પર કહ્યું: 'મેં નરેન્દ્રભાઈને ભણાવ્યા છે, તે હકીકત છે'

મોદીના શિક્ષક એચ.સી. પટેલે વિવાદ પર કહ્યું: 'મેં નરેન્દ્રભાઈને ભણાવ્યા છે, તે હકીકત છે'

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક એચ.સી. પટેલે તેમના વિવાદિત નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, 'મેં નરેન્દ્રભાઈને ભણાવ્યા છે, તે હકીકત છે. લોકોએ કોઈ ખોટા વહેમમાં ન રહેવું જોઈએ.'

ગત 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે એચ.સી. પટેલે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 1965થી 1967 સુધી મોદીને ભણાવતા હતા. આ ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી સહિત અમુક લોકોએ વડાપ્રધાન મોદી અને એચ.સી. પટેલની ઉંમરને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણમાં 'દિવ્ય ભાસ્કર'એ વડનગરની બી.એન. હાઈસ્કૂલના હાલના પ્રિન્સિપાલ જીતેન્દ્રભાઈ મોદી અને અન્ય એક શિક્ષક આઈ.એ. પટેલ સાથે વાતચીત કરી હતી. બી.એન. હાઈસ્કૂલના પ્રિન્સિપાલે પુષ્ટિ કરી હતી કે, એચ.સી. પટેલ તેમની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

વડાપ્રધાન મોદીના અન્ય શિક્ષક આઈ.એ. પટેલે પણ જણાવ્યું હતું કે, 'મેં પણ નરેન્દ્ર મોદીને ધોરણ 10 અને 11માં અભ્યાસ કરાવ્યો છે. હું તેમને ગુજરાતી અને સોશિયલ સ્ટડી વિષય ભણાવતો હતો.'

એચ.સી. પટેલે તેમના વક્તવ્યમાં વધુમાં કહ્યું હતું કે, 'મેં બે વર્ષ સુધી ખેરાલુમાં અનટ્રેન્ડ ટીચર તરીકે નોકરી કરી હતી. ત્યારબાદ રાજીનામું આપી પોરબંદરની આરજેટી કોલેજમાંથી બીએડ કર્યું હતું. વર્ષ 1965માં નોકરીની શરૂઆતના વર્ષમાં જ મેં નરેન્દ્ર મોદીને ભણાવ્યા હતા. હાલમાં લોકોને એવો વહેમ છે કે, હું તેમનો શિક્ષક રહ્યો નથી. લોકો એમ પણ કહે છે કે, તમે નરેન્દ્રભાઈને ભણાવ્યા કે પછી તેમની સાથે ભણતા હતા. પરંતુ વાસ્તવિક હકીકત એ છે કે મેં નરેન્દ્ર મોદીને ધોરણ 10 અને 11 એમ બે વર્ષ ભણાવ્યા છે.'

તેમણે વડાપ્રધાન મોદી સાથે અભ્યાસ કરતા લોકોના નામ પણ આપ્યા હતા. તેમણે કહ્યું, 'નરેન્દ્ર મોદી સાથે દોલતખાન પઠાણ, નાગજીભાઈ રબારી અને ભારતીબેન ઠક્કર ધોરણ 10માં સાથે અભ્યાસ કરતા હતા, તેવું મને યાદ છે. આ માણસ આટલો આગળ વધી જશે તેવો ખ્યાલ મને ન હતો. કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમ થતો ત્યારે એવું કહેતા કે, હું હાઉં કે ના હોઉં, મારું નામ લખી દેવાનું.'

એચ.સી. પટેલે જૂની યાદો શેર કરતાં કહ્યું હતું કે, 'મેં બીએસસી, બીએડ અને એમએસ સુધીનો અભ્યાસ કર્યો છે. નરેન્દ્ર મોદીને મેં વર્ષ 1965થી 1967 એમ બે વર્ષ ગણિત અને વિજ્ઞાનના વિષયો ભણાવ્યા છે. અમે જ્યારે એક્સ્ટ્રા પિરિયડ લેતા ત્યારે તેઓ કહેતા કે, આરએસએસનો કોઈપણ કાર્યક્રમ હશે તો હું એક્સ્ટ્રા પિરિયડમાં આવીશ નહીં. તેઓ આરએસએસના ચુસ્ત હિમાયતી હતા.'

તેમણે ઉમેર્યું હતું કે, 'હું 1999માં રિટાયર્ડ થયો ત્યારબાદ પણ તેમના પરિવાર સાથે સંબંધ રહ્યો છે. તેમને અભ્યાસને લઈને કોઈ મુશ્કેલી હોય તો પણ દૂર કરતો હતો. નફા અને નુકસાનને લઈ અનેક વખત ઉદાહરણ આપીને અભ્યાસ કરાવ્યો છે. રિટાયર્ડ થયા પછી તેમના ભાઈ સાથે મળવાનું થયું ત્યારે મેં પૂછ્યું હતું કે, રાજકારણમાં આગળ આવવાની સંભાવના છે કે નહીં? જોકે, તેના થોડા સમય બાદ જ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.'

એચ.સી. પટેલે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની ઘટના યાદ કરતાં કહ્યું કે, 'નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે હું પણ ત્યાં હાજર હતો. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મારા મિત્રએ નરેન્દ્રભાઈને બૂમ પાડીને કહ્યું હતું કે, એચ.સી. પટેલ તમારા શિક્ષક છે. ત્યારે નરેન્દ્રભાઈ મારા પગે પડ્યા અને મેં તેમને આશીર્વાદ આપ્યા હતા.'

તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, 'હું લોકોને કહેવા માગું છું કે, મેં નરેન્દ્રભાઈને ભણાવ્યા છે તે હકીકત છે. જેથી કોઈ ખોટા વહેમમાં ન રહે. ગુજરાત કોલેજમાં અમારા શિક્ષકોનું તેમના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે, મારા શિક્ષકોને માથું નીચું કરવાની ફરજ પડે તેવું હું કોઈ કાર્ય નહીં કરું.'