સત્ય. સાહસ. સંકલ્પ.

ઊર્જા સંકટ વચ્ચે મોદીનો ભરોસો: 10-11 વર્ષમાં 500 GW પુનઃપ્રાપ્ય ઊર્જા ઉમેરાશે

ઊર્જા સંકટ વચ્ચે મોદીનો ભરોસો: 10-11 વર્ષમાં 500 GW પુનઃપ્રાપ્ય ઊર્જા ઉમેરાશે

વિશ્વમાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતે પોતાના આર્થિક વિકાસ અને સ્વચ્છ ઊર્જા તરફની ઝડપ જાળવી રાખી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી 'ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સપો 2026'ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત આગામી 10 થી 11 વર્ષમાં અંદાજે 500 ગીગાવોટ વધારાની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ઉમેરવા માટે તૈયાર છે.

વડાપ્રધાને જણાવ્યું કે કોરોના મહામારીથી લઈને પશ્ચિમ એશિયાના તણાવ સુધીના મોટા આર્થિક આંચકાઓ વચ્ચે પણ ભારતે પરિસ્થિતિ સંભાળીને ઊંચો વિકાસ દર જાળવી રાખ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઊર્જા સુરક્ષા એ દેશની સાચી આર્થિક સુરક્ષા છે. જો છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે યોગ્ય પગલાં અને રોકાણ ન થયું હોત, તો દેશમાં ઊર્જા કટોકટી વધુ ગંભીર બની શકી હોત.

દેશની સિદ્ધિઓની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ભારતે પોતાની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાનો 50 ટકાથી વધુ હિસ્સો બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત કરી લીધો છે. પેરિસ કરાર મુજબ આ લક્ષ્યાંક 2030 સુધીમાં પૂરો કરવાનો હતો, પરંતુ ભારતે તેને પાંચ વર્ષ વહેલો, એટલે કે 2025માં જ હાંસલ કરી લીધો છે. હાલ દેશની બિન-અશ્મિભૂત ક્ષમતા 300 ગીગાવોટથી વધુ થઈ ચૂકી છે અને 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી પહોંચવાનો વિશ્વાસ છે.

વડાપ્રધાને ઉમેર્યું કે ભારતમાં રાજકીય અને નીતિગત સ્થિરતાના કારણે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રોકાણ માટે સારું વાતાવરણ છે. આ દાયકાના અંત સુધીમાં આ ક્ષેત્રમાં રૂ. 20 લાખ કરોડથી વધુના રોકાણ અને રોજગારની તકો ઊભી થવાની ધારણા છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ વાર્ષિક 50 લાખ ટન ઉત્પાદનનું લક્ષ્ય છે, જ્યારે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કા માટે સરકારે રૂ. 2 લાખ કરોડની જોગવાઈ કરી છે.

દેશનો અન્નદાતા હવે 'ઊર્જા દાતા' બને તેવી ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતો પોતાની ખાલી જમીન પર સોલર પેનલ લગાવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સામાન્ય પરિવારોની રોજિંદી જરૂરિયાતો સોલર ઊર્જાથી પૂરી થાય તેવા નવા ઇનોવેશન માટે તેમણે સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓને અપીલ કરી. દેશમાં અત્યાર સુધી 44,000થી વધુ સરકારી ઇમારતોને સોલર ઊર્જા સાથે જોડવામાં આવી છે, જેનાથી વાર્ષિક આશરે રૂ. 700 કરોડની બચત થઈ રહી છે.