રાજકીય તણાવ વચ્ચે સંસદ ભવનમાંથી એક સકારાત્મક વીડિયો સામે આવ્યો છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પીએમ મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. સૌએ એકબીજાનું અભિવાદન કરી હસતાં-હસતાં વાતચીત કરી હતી. આ નજારો રાજકીય મતભેદો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય હુમલાઓ અને તણાવ વચ્ચે શુક્રવારે સંસદ ભવનમાંથી એક ખૂબ જ રસપ્રદ અને સકારાત્મક વીડિયો સામે આવ્યો છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના અવસરે પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એકસાથે જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી, ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એકબીજાને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. આ સમય દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી વચ્ચે હસતા-હસતા વાતચીત થતી પણ નજરે પડી હતી. આ પ્રસંગે પીએમ મોદીની સાથે લોકસભાના સ્પિકર ઓમ બિરલા, ભાજપ અધ્યક્ષ નિતિન નવીન, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે પીએમ મોદીએ મહાત્મા ગાંધીને નમન કરતા જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધીનો શાશ્વત સંદેશ એક વધુ સારા સમાજ અને વિકસિત ભારતના નિર્માણની દિશામાં હંમેશાં આપણું માર્ગદર્શન કરતો રહેશે. બાપુનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સેવા માટે પ્રેરણારૂપ હતું, જે દરેક કાળમાં માનવતાને સાચો રસ્તો બતાવશે.' આ દરમિયાન પીએમ મોદી ત્યાં ઉપસ્થિત બાળકો સાથે પણ હસતા હસતા વાતચીત કરતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સૌહાર્દપૂર્ણ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ચૂંટણી પંચ અને એસઆઈઆર મુદ્દે પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય તણાવ ચરમસીમા પર છે. રાહુલ ગાંધી ભાજપ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે સામે પક્ષે ભાજપનું કહેવું છે કે જો એસઆઈઆર પ્રક્રિયામાં કંઈ ખોટું હોત તો કેરળમાં કોંગ્રેસ કેવી રીતે જીતી શકી હોત? રાજકીય મતભેદો વચ્ચે સંસદમાં જોવા મળેલો આ નજારો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.