વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવસારીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના દેશના સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કાર્યાલય 'નમો કમલમ'નું લોકાર્પણ કર્યું. નેશનલ હાઇવે ગ્રિડ નજીક આવેલા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સંબોધન કર્યું અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા.
પોતાના ભાષણમાં પીએમ મોદીએ નવસારીમાં વસતા સૌરાષ્ટ્રના લોકોના સંદર્ભમાં માવા અને તમાકુના સેવન પર માર્મિક ટકોર કરી. તેમણે કહ્યું, "અહીં સૌરાષ્ટ્રના ઘણા ભાઈઓ છે. નવસારીને તેમણે માવાની ટેવ આપી છે કે નહીં તે ખબર નથી, પણ કેટલાક 'ભારત માતા કી જય' બોલે છે અને તરત જ પિચકારી મારે છે." આ ટિપ્પણી કેન્સરના નિષ્ણાતોની ચિંતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, કારણ કે ગુજરાતમાં તમાકુ, ગુટખા અને માવાના સેવનથી મોઢા અને ગળાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુવાનોમાં પણ મોઢું ન ખૂલવું (OSMF) અને લ્યુકોપ્લેકિયા જેવા કેન્સર પૂર્વેના લક્ષણો જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ લોકોને આ નિવારણ માટે માવા અને તમાકુ છોડવા અપીલ કરી.
આ ઉપરાંત, તેમણે સરકારની લોકકલ્યાણકારી નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અગાઉ લારીવાળાઓ ભારે વ્યાજના બોજ હેઠળ દબાયેલા હતા, પરંતુ હવે સરકારે તેમની સાચી ચિંતા કરી છે. તેમણે ભાજપની સેવા ભાવના પર ભાર મૂકતા કહ્યું કે સમાજ સર્વોપરી છે અને જનતા જનાર્દન એ જ ભગવાન છે. સ્વચ્છતાને ઉત્સવ અને રોજિંદા સંસ્કાર બનાવવા પર ભાર આપતા તેમણે કુપોષણ મુક્ત જિલ્લો બનાવવાની અને આધુનિક સારવારથી 6 મહિનામાં ટીબીમાંથી મુક્તિ મેળવી શકાય તેવી વાત કરી.
નવસારીના વિકાસમાં કાર્યકરોના યોગદાનની પ્રશંસા કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, અહીંના લોકોએ સી. આર. પાટીલને જંગી લીડથી જિતાડીને આખા દેશમાં રેકોર્ડ બનાવ્યો છે. કાર્યક્રમમાં 5000થી વધુ આગેવાનો અને કાર્યકરો પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જિલ્લાભરમાં 4000 સ્ક્રીન મારફતે 1.15 લાખ લોકોએ આ કાર્યક્રમ જોયો હતો.