૩૧ ઓગસ્ટના રોજ કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં યોજાયેલી SCO સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતને ઈરાન સાથેના વેપાર સંબંધો અંગે ચેતવણી આપી છે. બ્રાયન કલમેટ શોમાં રૂબિયોએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે કોઈ પણ દેશે ઈરાનને પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરવી જોઈએ. જો કોઈ દેશ આવું કરશે, તો અમેરિકા તેના પર પ્રતિબંધો લાદી શકે છે.
રૂબિયોએ એમ પણ કહ્યું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ વેપારી કરાર થઈ રહ્યો હોવાનું તેમને લાગતું નથી. દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે. પરંતુ ઈરાનને એવા કોઈ આર્થિક રસ્તા ન બતાવવા જોઈએ, જેનાથી તે આતંકવાદને પ્રોત્સાહન આપી શકે કે પરમાણુ હથિયાર બનાવી શકે.
આ પહેલા અમેરિકાએ ૨૪ ઓગસ્ટના રોજ 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' શરૂ કર્યું છે, જેનો હેતુ ઈરાનને આર્થિક રીતે અલગ કરવાનો છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટના જણાવ્યા મુજબ, જે દેશો ઈરાન સાથે વેપાર કરશે તેમની સામે નાણાકીય પગલાં લેવામાં આવશે.
આ ઓપરેશનની અસર ભારત પર પડી ચૂકી છે. અમેરિકાએ ઈરાન સાથે ૧૧૯ મિલિયન ડોલરનો પેટ્રોલિયમ વેપાર કરનાર સદાશિવા ઓવરસીઝ સહિત ચાર ભારતીય કંપનીઓ અને ત્રણ ભારતીય નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ બિસ્કેકમાં SCO સમિટમાં કહ્યું હતું કે, ભારત ગાંધી અને બુદ્ધની ધરતીનો દેશ છે. અમે હંમેશા શાંતિ અને સહયોગમાં માનીએ છીએ. ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર અને સંતુલિત છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.