સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીએ નવસારીમાં ‘નમો કમલમ્’ કાર્યાલયનું લોકાર્પણ કર્યું, બાળકી સાથે રસપ્રદ સંવાદ

પીએમ મોદીએ નવસારીમાં ‘નમો કમલમ્’ કાર્યાલયનું લોકાર્પણ કર્યું, બાળકી સાથે રસપ્રદ સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. વડોદરામાં કાર્યક્રમ બાદ તેઓ નવસારી પહોંચ્યાં, જ્યાં 40 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલા ભાજપના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ્’નું લોકાર્પણ કર્યું.

લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીનું સ્વાગત કરવા આવેલા એક જૂથમાં સામેલ નાની બાળકી જેનિફર પટેલ સાથે તેમણે સંવાદ કર્યો. પીએમે પૂછ્યું, “તું GEN-Z છે?” ત્યારે બાળકીએ તરત જવાબ આપ્યો, “હું GEN-Z નથી, હું મા દુર્ગા છું.” પીએમે હસીને કહ્યું, “તો પછી ભારતની રક્ષા કરજે.” આ હૃદયસ્પર્શી સંવાદથી પરિસરમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો.

દક્ષિણ ગુજરાતના નવસારીમાં આ કાર્યાલય અંદાજે રૂ. 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે. તેમાં હાઈટેક IT સેલ, 25 કોમ્પ્યુટરથી સજ્જ સર્વર રૂમ, ડિજિટલ ડેટા બેન્ક, સમૃદ્ધ પુસ્તકાલય, 500 લોકોની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, 400 લોકોની ક્ષમતાનો ઓડિટોરિયમ અને પદાધિકારીઓ માટે અલગ ઓફિસો છે. પર્યાવરણ જતન માટે સોલાર પાવર પેનલ્સ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરાઈ છે.

લોકાર્પણ બાદ પીએમ મોદીએ ગુજરાતીમાં સંબોધન કર્યું. તેમણે કાર્યકરો માટે સેવાને ધ્યેય બનાવવા પર ભાર આપ્યો, પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો અને માવા-પાન મસાલાની ટેવ છોડવા અપીલ કરી. જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે તેઓ સ્કૂટર પર નવસારીમાં ફરતા હતા અને આજે શહેરના ઝડપી વિકાસ પર ખુશી વ્યક્ત કરી.