વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ FICCIના શતાબ્દી સંમેલનમાં દેશની આર્થિક સ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 50 કરોડથી વધુ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
PM મોદીએ FICCIની વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક સંમેલન 2026ને સંબોધિત કરતાં કહ્યું કે, "આજનો અવસર વિશેષ છે. FICCI પોતાની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. કોઈ સંસ્થા 100 વર્ષ સુધી સતત સજાગ અને સક્રિય રહે, બદલાતા સમયની સાથે પોતાની જાતને આગળ વધારતી રહે અને દેશની આર્થિક સફરમાં સક્રિય ભૂમિકા નિભાવતી રહે, તે ખૂબ મોટી ઉપલબ્ધિ છે."
વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે અગાઉની સરકારોમાં નિયત (ઇચ્છાશક્તિ) અને નીતિ, બંનેનો અભાવ હતો. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકાસ પામતી મોટી અર્થવ્યવસ્થા છે અને મૂડીઝ, S&P ગ્લોબલ, વર્લ્ડ બેંક તથા એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ આ વિકાસને સ્વીકારી રહી છે.
PM મોદીએ કહ્યું કે આગળ વધવા માટે સમયાંતરે આત્મચિંતન કરવું જરૂરી છે. તેમણે ઉદ્યોગજગતને 'ઇન્ડિયા ફર્સ્ટ'ને પોતાનો આધાર બનાવવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે તેનાથી દેશ આત્મનિર્ભર બનશે અને વેપાર-ધંધા માટે નવી તકો ઊભી થશે. તેમણે યાદ કરાવ્યું કે 100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધીએ પણ આ જ વાત કહી હતી.
વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેમાં જણાવાયું છે કે માત્ર 12-13 વર્ષમાં 50 કરોડ ભારતીયોએ ગરીબી છોડી દીધી છે. તેમણે ઉમેર્યું કે દેશ પોતાના નાના ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ, સંપત્તિ સર્જકો અને કરદાતાઓનું સન્માન કરીને જ પ્રગતિ કરી શકે છે.