નવી દિલ્હી: ભારતીય બંધારણની કલમ 75(5) મુજબ મંત્રી પદ અને સંસદના સભ્યપદ વચ્ચે સીધો સંબંધ છે. જો કોઈ મંત્રી છ મહિનાની અંદર લોકસભા કે રાજ્યસભાના સભ્ય ન બની શકે, તો તેમણે મંત્રી પદ ગુમાવવું પડે છે. આ નિયમને કારણે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે.
ભાજપે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદીમાં ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપી કૃષ્ણ પાંડે, પ્રિયંકા સિંહ રાવત, રામ પ્રતાપ સિંહ ચૌહાણ અને શ્રુતિ ગંગવારનો સમાવેશ થાય છે.
આ યાદીમાં વર્તમાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને rajyamantri બી.એલ. વર્માને સ્થાન મળ્યું નથી. છેલ્લા કેટલાક મહિનામાં જ્યોર્જ કુરિયન, રવનીત સિંહ બિટ્ટુ અને ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે.
જ્યોર્જ કુરિયન લઘુમતી બાબતો અને મત્સ્ય ઉદ્યોગના રાજ્યમંત્રી હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ 21 જૂન, 2026ના રોજ પૂરો થયો. કેરળમાં પાર્ટીનું પ્રદર્શન નબળું રહેતાં તેમને ફરી નોમિનેટ કરાયા નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 23 જૂન, 2026ના રોજ તેમનું રાજીનામું સ્વીકાર્યું.
રવનીત સિંહ બિટ્ટુ રેલ્વે અને ફૂડ પ્રોસેસિંગના રાજ્યમંત્રી હતા. તેમનો કાર્યકાળ પણ 21 જૂન, 2026ના રોજ પૂરો થયો. રાજસ્થાનથી રાજ્યસભામાં ફરી તક ન મળતાં તેમણે 24 જુલાઈ, 2026ના રોજ રાજીનામું આપ્યું. 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમને લુધિયાણા સેન્ટ્રલ બેઠક પર સંગઠનાત્મક જવાબદારી મળી શકે છે.
ધર્મેન્દ્ર પ્રધાને જુલાઈ 2026માં શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેમનું રાજીનામું રાજ્યસભાના સભ્યપદ સાથે જોડાયેલું નહોતું, પણ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે હતું. હાલ પ્રહલાદ જોશી પાસે આ મંત્રાલયનો વધારાનો હવાલો છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે આગળ કોનો વારો છે. હરદીપ સિંહ પુરી 2017થી મંત્રી છે અને કેબિનેટમાં એકમાત્ર શીખ ચહેરો છે. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ 25 નવેમ્બર, 2026ના રોજ પૂરો થાય છે. યુપીની યાદીમાં તેમનું નામ નથી. જો તેઓ 25 નવેમ્બર પછી સભ્ય ન બની શકે તો તેમણે મંત્રીમંડળમાંથી બહાર થવું પડશે. 2027ની પંજાબ ચૂંટણી માટે તેમને સંગઠનમાં મોટી ભૂમિકા મળી શકે છે.
બી.એલ. વર્મા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી છે. તેમનો કાર્યકાળ પણ 25 નવેમ્બર, 2026ના રોજ પૂરો થાય છે. OBC ચહેરો હોવા છતાં ભાજપે યુપીના તમામ સાત નિવૃત્ત રાજ્યસભા સભ્યોને બદલીને નવા ચહેરાઓને તક આપી છે. તેથી વર્માએ પણ નવેમ્બર 2026 પછી રાજીનામું આપવું પડી શકે છે.
આ ઉપરાંત ભાજપના 'એક વ્યક્તિ, એક પદ'ના સિદ્ધાંતની પણ અસર થઈ શકે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી મહારાજગંજથી સાત વખત લોકસભાના સાંસદ છે, તેથી તેમને રાજ્યસભાનો નિયમ લાગુ પડતો નથી. પરંતુ ડિસેમ્બર 2025માં તેઓ ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા છે. 2027ની યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને ટૂંક સમયમાં મંત્રી પદેથી મુક્ત કરાઈ શકે છે.
હર્ષ મલ્હોત્રા 18મી લોકસભામાં પૂર્વ દિલ્હીથી પ્રથમ વખત સાંસદ બન્યા છે. તેઓ મોદી સરકારમાં દિલ્હીના એકમાત્ર કેન્દ્રીય મંત્રી છે. દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ 'એક વ્યક્તિ, એક પદ'ના નિયમ હેઠળ તેમને મંત્રી પદેથી મુક્ત કરવામાં આવી શકે છે.