સત્ય. સાહસ. સંકલ્પ.

રેલવે વિસ્તરણ: 7 હાઈ-ડેન્સિટી કોરિડોરને 4-લેન કરવાની મંજૂરી, 11,000 કિમી પર કામ

રેલવે વિસ્તરણ: 7 હાઈ-ડેન્સિટી કોરિડોરને 4-લેન કરવાની મંજૂરી, 11,000 કિમી પર કામ

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના માળખાને મજબૂત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશના સાત હાઈ-ડેન્સિટી રેલવે કોરિડોરને ચાર લેન (ચાર ટ્રેક)માં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી વ્યસ્ત રૂટ પર ટ્રેનોની અવરજવર સરળ બનશે અને મુસાફરોને ભીડમાંથી રાહત મળશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશના કુલ રેલવે ટ્રાફિકમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવતા આ સાત કોરિડોરની કુલ લંબાઈ લગભગ 11,000 કિલોમીટર છે. દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નાઈ, ચેન્નાઈ-કોલકાતા અને કોલકાતા-મુંબઈ જેવા મહત્વના રૂટ આ નેટવર્કમાં સામેલ છે.

હાલમાં આ કોરિડોરમાંથી આશરે 2,000 કિલોમીટરનો હિસ્સો પહેલાથી જ ચાર લેનમાં અપગ્રેડ થઈ ચૂક્યો છે. લગભગ 5,000 કિલોમીટર માટે કામ ચાલી રહ્યું છે અથવા મંજૂરી મળી ચૂકી છે. બાકીના આશરે 4,000 કિલોમીટર માટે અંતિમ મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.

ચાર લેનના પ્રોજેક્ટ ઉપરાંત કેબિનેટે પાંચ રાજ્યોના 14 જિલ્લાઓમાં ફેલાયેલા ત્રણ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સથી રેલવે નેટવર્કમાં આશરે 656 કિલોમીટરનો વધારો થશે. તેનો અંદાજિત ખર્ચ ₹10,783 કરોડ છે અને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

તે જ રીતે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાના 17 જિલ્લાઓને આવરી લેતા પાંચ વધુ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ નેટવર્કમાં લગભગ 540 કિલોમીટરનો વધારો થશે. તેના પર કુલ ₹10,021 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને તે પણ 2029-30 સુધીમાં પૂર્ણ કરવાનો છે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યસ્ત રૂટ પર ક્ષમતા વધારીને વિલંબ ઘટાડવાનો અને ભવિષ્યમાં વધનારા પેસેન્જર તથા માલવાહક ટ્રાફિકને પહોંચી વળવાનો છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ટ્રેનોની ભીડ ઘટાડવામાં આ વિસ્તરણ મદદરૂપ થશે.