મહેસાણાના વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિન નિમિત્તે યોજાયેલા સેવા કેમ્પમાં તેમના મોટાભાઈ સોમાભાઈ મોદી અને તેમના પુત્ર જિતેન્દ્ર મોદીએ કેક કાપી હતી. આ પ્રસંગે જિતેન્દ્ર મોદીએ પોતાના બાળપણ અને સૈનિક સ્કૂલ બાલાચડીમાં વીતાવેલા દિવસો યાદ કર્યા હતા.
જિતેન્દ્ર મોદીએ જણાવ્યું કે 1980ના દાયકામાં તેઓ બાલાચડી સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તે સમયે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને તેમને મળવા નિયમિત આવતા હતા. સૈનિક સ્કૂલના કડક નિયમોને કારણે માતા-પિતા વર્ષમાં ફક્ત બે વાર મળવા આવી શકતા, પણ નરેન્દ્ર મોદી તેમના માટે માર્ગદર્શક સમાન હતા.
જિતેન્દ્રએ કહ્યું કે તેમના જન્મદિવસ પર નરેન્દ્ર મોદી અહલ્યાબાઈ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોના 20થી 25 પાનાના પ્રેરણાદાયી પુસ્તકો મોકલતા હતા. તેમનું કહેવું હતું કે આ પુસ્તકો દ્વારા સંસ્કારનું સિંચન થતું હતું.
1985નો એક કિસ્સો યાદ કરતા જિતેન્દ્રએ કહ્યું કે અમદાવાદથી જામનગરની બસ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાની રિઝર્વ સીટ પર બેસેલી વ્યક્તિને શાંતિથી સમજાવીને પોતાની જગ્યા મેળવી હતી. આ ઘટના તેમણે હક અને શિસ્તનો પાઠ આપ્યો હતો.
જિતેન્દ્ર મોદીએ જણાવ્યું કે વર્ષ 2002માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ સૈનિક સ્કૂલ બાલાચડીના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યારે તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે તેમનું પણ આ સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન હતું અને તેમણે ચિઠ્ઠી પણ લખી હતી, પરંતુ એ સ્વપ્ન પૂરું ન થતાં તેમણે પોતાના ભત્રીજા જિતેન્દ્ર મોદીને ત્યાં ભણવા મોકલ્યો હતો.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જિતેન્દ્ર મોદીએ કહ્યું કે નરેન્દ્ર મોદી પાસેથી તેમને મળેલું સૌથી મોટું સૂત્ર છે – ‘જે તું કાયમ કરી શકે એ જ કરવાનું, ક્યારેય બહુરુપિયા થઈને ન જીવવું.’
તેમણે ઉમેર્યું કે સંસ્કારધામમાં તેમને નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 12થી 13 વર્ષ કામ કરવાનો અવસર મળ્યો હતો. નરેન્દ્ર મોદીની કલ્પના હતી કે ત્યાંથી ઉત્કૃષ્ટ સ્પોર્ટ્સમેન તૈયાર થાય. તેના પરિણામે 2021ની ઓલિમ્પિક્સમાં 10 મીટર રાઈફલ શૂટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ઈલાવેનિલ વાલારિવ સંસ્કારધામની જ પ્રોડક્ટ છે.
કાર્યક્રમ દરમિયાન વડનગર મેડિકલ કોલેજના પરિણામો અંગે વાત કરતા તેમણે ગૌરવ વ્યક્ત કર્યું કે શરૂઆતમાં ‘વાય વડનગર?’ એટલે કે વડનગરમાં જ મેડિકલ કોલેજ કેમ, તેવા પ્રશ્નો ઊભા થતા હતા. પરંતુ આજે આખી યુનિવર્સિટીની તમામ કોલેજોમાં વડનગર મેડિકલ કોલેજ પ્રથમ ક્રમનું સર્વશ્રેષ્ઠ પરિણામ લાવે છે.
તેમણે પોતાના પિતા સોમાભાઈ મોદી અને માતાના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે આશ્રમ અને આ વિસ્તારના વિકાસમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. તેમણે સંગત અને યોગ્ય સલાહકારનું મહત્વ સમજાવતા કહ્યું કે યોગ્ય સલાહકાર જ વ્યક્તિ, ગામ કે શહેરને સાચી દિશા આપી શકે છે.