પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તરમાં CRPF જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ પ્રસંગે તેમણે જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે હથિયારધારી નક્સલીઓ હવે ચાલ્યા ગયા છે, પરંતુ હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે. આ માનસિક નક્સલીઓને ઓળખવા પડશે. તેમણે કહ્યું કે જ્યારે દેશની આંતરિક સુરક્ષા મજબૂત હોય છે ત્યારે બાહ્ય દુશ્મનો સફળ થઈ શકતા નથી, પરંતુ આંતરિક સુરક્ષા નબળી હોય ત્યારે બાહ્ય દુશ્મનો પણ માથું ઊંચું કરવા લાગે છે. પીએમ મોદીએ આ વાત કોબરા ઓપરેશન્સ બેઝ ખાતે CRPF જવાનોની સામે 42 મિનિટના ભાષણમાં કહી હતી.
પીએમ મોદી સતત 13મી વખત જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા હતા. આ પહેલાં તેમણે 12 પ્રસંગોએ દેશના અલગ-અલગ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. સૌથી વધુ ત્રણ વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખની બે-બે વખત મુલાકાત લઈ ચૂક્યા છે.
બીજી તરફ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમનું ઘર કિલ્લો બની ગયું હતું. કમાન્ડો બાળકોના બેડરૂમમાં તહેનાત હતા અને રાહુલ-પ્રિયંકાને શાળા છોડવી પડી હતી. તેમણે કહ્યું કે તે સમયે ભારે ડર હતો અને વારંવાર વિચાર આવતો કે હવે પછીનો નંબર રાજીવનો જ હશે. 1991માં આ ડર સાચો પડ્યો અને આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. સોનિયાએ કહ્યું કે રાજીવને મોતની ધમકીઓ મળી રહી હતી, ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ જાણતી હતી, પરંતુ નવી સરકારે તેની અવગણના કરી અને તેમની સુરક્ષા હટાવી લેવામાં આવી. તેમને લાગે છે કે આ સત્ય ક્યારેય બહાર નહીં આવે. આ ઇન્ટરવ્યૂ તેમના આવનારા પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ પર આધારિત છે.
અમેરિકામાં સિયાટલમાં દિવાળી ઉજવી રહેલા ભારતીયોના કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકો ઘૂસી આવ્યા હતા. તેમના હાથમાં પોસ્ટર હતા જેના પર ‘તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢી મુકો’ અને ‘હિન્દુઓ ખ્રિસ્તીઓનું સ્થાન લઈ રહ્યા છે’ લખ્યું હતું. ટ્રમ્પ સમર્થકોએ મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર પાછળ ભારતીયોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના નારાબાજી કરતા જોઈને ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો અને તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યા.
કોંગ્રેસ પાર્ટીને મળતા દાનમાં ભારે ઘટાડો થયો છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલી ફાઇલિંગના વિશ્લેષણ મુજબ, 2025-26માં પાર્ટીને 20,000 રૂપિયાથી વધુના દાનમાંથી માત્ર 130.69 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે 2024-25માં આ આંકડો 517.39 કરોડ રૂપિયા હતો. આમ એક વર્ષમાં દાનમાં લગભગ 75%નો ઘટાડો થયો છે. છેલ્લા એક દાયકામાં આ સૌથી મોટો ઘટાડો છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, ઘટાડાનું મુખ્ય કારણ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળેલા ફંડમાં ઘટાડો છે. આ પહેલાં 2015-16માં પણ 86%નો ઘટાડો થયો હતો, જ્યારે કૉંગ્રેસનું જાહેર કરાયેલું દાન 141.46 કરોડ રૂપિયા રહી ગયું હતું.
ઇઝરાયલમાં નેતન્યાહૂની સત્તા જોખમમાં છે. પૂર્વ આર્મી ચીફ ગાદી આઇઝેનકોટ નવી સરકાર રચવાની તૈયારીમાં છે. રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે તેમને સરકાર રચવાનું નિમંત્રણ આપ્યું છે અને તેમણે છ અઠવાડિયામાં સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે.