સત્ય. સાહસ. સંકલ્પ.

મોદીના 76મા જન્મદિવસે વડનગરમાં ઉજવણી, નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ

મોદીના 76મા જન્મદિવસે વડનગરમાં ઉજવણી, નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ

વડનગરના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં આજથી બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થશે. વડાપ્રધાનની 25 વર્ષની સેવા અને સમર્પણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાર અલગ-અલગ પવિત્ર સ્થળેથી બાઇક યાત્રાઓ બુધવારે વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્ર કરી ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. જળાભિષેક બાદ શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

‘સેવા સંકલ્પ’ના સંદેશ સાથે યોજાનારા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જન્મોત્સવના કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, નેતાઓ, સાધુ-સંતો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. રાત્રે વડનગરમાં રોશની પણ કરાઈ હતી. ઉપરાંત રક્તદાન કેમ્પ તેમજ સફાઈ સહિતના કાર્યક્રમ યોજાશે.

વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન નાગરિકોને પોતાના ઘરે ‘એક દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે પ્રેમ, સન્માન અને શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત રક્તદાન કેમ્પ સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાશે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરાશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ જામ્યો છે.

આજે સવારે 9:30 વાગ્યે વડાપ્રધાન મોદીના જન્મદિને તેમની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે, બે અલગ-અલગ દિશામાં બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થશે. વડનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુપ્રિયા પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

તે જ સમયે વારાણસીથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિતના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી એમ બંને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં 10 અલગ ગ્રુપમાં ગ્રુપ દીઠ 25 બાઈક પર 50 સેવા યાત્રીઓ જોડાશે. વડનગરથી વારાણસીની યાત્રામાં 250 બાઈક પર 500 સેવા યાત્રીઓ તેમજ વારાણસીથી વડનગરની યાત્રામાં પણ 250 બાઈક પર 500 સેવા યાત્રીઓ સહભાગી થશે. આ રીતે દેશભરમાંથી કુલ 1,000 યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. દરેક ટુકડી 10 અલગ અલગ રૂટ પરથી પસાર થશે. 7 ઓક્ટોબરના દિવસે જ્યારે નરેન્દ્ર મોદીને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના છે તે દિવસે આ યાત્રાનું સમાપન થશે.

યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન તથા જળસંરક્ષણ જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે. સફાઈ કર્મચારીઓનું સન્માન તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે.

ગુજરાતમાં યાત્રાના પ્રારંભ પૂર્વે જ, રાજ્યના ચારેય ઝોનમાંથી 13 સપ્ટેમ્બરના રોજ નીકળેલી ઉપયાત્રાઓ ગઇકાલે વડનગર પહોંચી ગઈ હતી. આ ચારેય ઉપયાત્રાઓ અનુક્રમે સૌરાષ્ટ્ર ઝોનમાં સોમનાથ મહાદેવના પવિત્ર ધામથી, ઉત્તર ઝોનમાં શામળાજીથી, મધ્ય ઝોનમાં પાવાગઢ ખાતેના મહાકાળી માતાજીના મંદિરથી અને દક્ષિણ ઝોનમાં નવસારીના ઉનાઈ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થઈ હતી. આ ઉપયાત્રાઓ માર્ગમાં આવતા પવિત્ર જળસ્ત્રોતોમાંથી જળ એકત્ર કરીને લાવી હતી.

ગુજરાતની ચારેય ઉપયાત્રાઓ દરમિયાન માર્ગમાં આવતા નદીઓ, તળાવો અને ખેતરના કૂવાઓમાંથી જળ એકત્ર કરી જળકળશ રથમાં પધરાવવામાં આવ્યું હતું. આ જળ વડનગર ખાતે એકત્ર થયા બાદ શર્મિષ્ઠા તળાવનું જળ પણ તેમાં ઉમેરવામાં આવશે અને પછી તેને વારાણસી લઈ જવાશે.