વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 76 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ રીલ પર ડેબ્યૂ કર્યું છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વ્યક્તિત્વના પાંચ મનોવૈજ્ઞાનિક પાસાં ચર્ચાનો વિષય બન્યા છે, જે તેમને રાજકીય જીવનમાં સફળ બનાવે છે.
2014માં બ્રિટિશ પત્રકાર એન્ડી મેરિનોએ મોદીને પૂછ્યું હતું, ‘શું તમારો કોઈ ખાસ મિત્ર છે, જેની સાથે તમે તણાવના સમયમાં વાત કરો છો?’ મોદીએ જવાબ આપ્યો હતો, ‘સંઘના દિવસોમાં મારા માર્ગદર્શક લક્ષ્મણરાવ ઈનામદાર હતા. મુશ્કેલીના સમયે તેમની સાથે મોકળા મને વાત કરી લેતો. હવે મારી વિચારપ્રક્રિયા ઓટો-પાયલટ મોડ પર ચાલે છે.’ આ જવાબ દર્શાવે છે કે મોદી ભાવનાત્મક રીતે કેટલા આત્મનિર્ભર છે.
વર્ષ 1995માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદ માટે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ વચ્ચે ટક્કર થઈ. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી હતા. તેમણે કેશુભાઈને સાથ આપ્યો અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા. થોડા મહિનામાં નારાજ શંકરસિંહ વાઘેલાએ 47 ધારાસભ્યો સાથે બગાવત કરી. અટલ બિહારી વાજપેયીએ અમદાવાદમાં ધામા નાખવો પડ્યો. બે દિવસની ચર્ચા બાદ વાઘેલાની શરતો સ્વીકારાઈ, જેમાં મોદીને ગુજરાતમાંથી હટાવી દિલ્હી મોકલવાની શરત હતી. મોદીએ આને તક ગણી અને દિલ્હીમાં પક્ષના મોટા નેતાઓની નજીક પહોંચ્યા. તેમણે હરિયાણા, હિમાચલ, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં સંગઠન કામ સંભાળ્યું, વિદેશ પ્રવાસ કર્યો, નવી ટેક્નોલોજી શીખ્યા અને નેટવર્ક વિસ્તાર્યું.
1998માં કેશુભાઈ અને વાઘેલા વચ્ચે ફરી ટકરાવ થયો. કેશુભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા, પણ સ્થિતિ થાળે ન પડી. 2001ના અંતમાં નવા મુખ્યમંત્રીની શોધ શરૂ થઈ, જેમાં મોદી સંઘ, અટલ અને અડવાણીના માપદંડો પર ખરા ઊતર્યા. અટલ બિહારી વાજપેયીએ મોદીને પીએમ આવાસ પર બોલાવીને કહ્યું, ‘દિલ્હીમાં પંજાબી ખાઈને તું ઘણો જાડો થઈ ગયો છે. ફરી ગુજરાત પાછો જા.’ 6 વર્ષ બાદ મોદી ગુજરાત પરત ફર્યા અને 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા. મોદી કહે છે, ‘હું હંમેશાં કપરી પરિસ્થિતિઓને તકમાં ફેરવું છું. હાર શબ્દ મારી ડિક્શનરીમાં નથી.’
કમબેક એબિલિટી એટલે નિષ્ફળતામાંથી શીખીને નવા સ્તરે પહોંચવું. તેમાં રેઝિલિયન્સ (તણાવ પછી સામાન્ય થવાની ક્ષમતા) અને પોસ્ટ-ટ્રોમેટિક ગ્રોથ (પહેલા કરતાં વધુ પરિપક્વ થવું) બે તબક્કા છે. આ ગુણો માણસને લાંબા સમયની નિરાશાથી બચાવે છે.
8 નવેમ્બર 2016ની રાત્રે 8:15 વાગ્યે મોદીએ નોટબંધીની જાહેરાત કરી. 500 અને 1000 રૂપિયાની નોટો લીગલ ટેન્ડર રહી નહીં. દેશની 86% કરન્સી ચલણમાંથી બહાર થઈ ગઈ. આ નિર્ણય અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો હતો. મંત્રીઓને તે જ સાંજે કેબિનેટ બેઠકમાં જાણ કરાઈ. મોદીએ કહ્યું, ‘મેં સંપૂર્ણ રિસર્ચ કર્યું છે. જો આ નિષ્ફળ જશે, તો જવાબદારી મારી રહેશે.’ મહેસૂલ સચિવ હસમુખ અઢિયા સહિત 6 અધિકારીઓની ટીમે એક વર્ષ સુધી ગુપ્ત રીતે કામ કર્યું. નવેમ્બર 2016થી જાન્યુઆરી 2017 સુધીના દરેક ભાષણમાં મોદીએ કાળા નાણાં અને નોટબંધીનો ઉલ્લેખ કરીને જનતાને સંભાળી. 13 નવેમ્બર 2016ના રોજ ગોવામાં તેમણે કહ્યું, ‘તમારે 50 દિવસની મુશ્કેલી સહન કરવી પડશે.’ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ઝાએ પુસ્તકમાં આખી ઘટનાનું વિશ્લેષણ કર્યું છે.