પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસન અને નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓક્ટોબર 2001ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારથી લઈને આજ સુધીની તેમની સફર દેશના શિખર સુધી પહોંચી છે. આ ઐતિહાસિક સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી બુધવારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા.
આ મુલાકાતની એક ભાવનાત્મક તસવીર સામે આવી છે, જેમાં પીએમ મોદી અને અડવાણીજી એકબીજાના હાથમાં હાથ રાખીને વાતચીત કરતા જોવા મળે છે. મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું, “આજે મેં અડવાણીજીને તેમના નિવાસસ્થાને મળીને તેમના આશીર્વાદ લીધા છે. રાષ્ટ્રીય જીવન અને જાહેર સેવામાં તેમના દાયકાઓના અથાક યોગદાને દેશના ઇતિહાસમાં કાયમી છાપ છોડી છે. ભારતની પ્રગતિને મજબૂત અને વેગવાન બનાવવામાં તેમણે ભજવેલી ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.”
આ મુલાકાત પહેલાં પીએમ મોદીએ નવી દિલ્હીના સરોજિની નગર વિસ્તારમાં આવેલા શ્રી વિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દેશની સુખાકારી માટે પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત શાસનમાં તેમના 25 વર્ષના કાર્યકાળની ઉજવણી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે હતી.
નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ સભાને સંબોધતા પીએમ મોદીએ તેમના 25 વર્ષના રાજકીય કાર્યકાળના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સિદ્ધિ સ્વ-પ્રશંસા કે અહંકારનો પ્રસંગ નથી, પરંતુ દેશની જનતા અને સાથીદારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ક્ષણ છે. તેમણે પોતાની સફરને વ્યક્તિગત મહત્વાકાંક્ષાથી મુક્ત અને માત્ર ‘સેવા’ની ભાવનાથી પ્રેરિત ગણાવી હતી. તેમના ભાષણનો મુખ્ય વિષય “સેવા પરમો ધર્મ” રહ્યો હતો.
આ તકે તેમણે ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ એનડીએ ગઠબંધનના રાજકીય સાથીઓનો આભાર માન્યો હતો. તેમણે 2047 સુધીના વિઝન પર પણ ભાર મૂક્યો હતો, જે દેશના વિકાસ અને આત્મનિર્ભરતા તરફની દિશા દર્શાવે છે.