ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરને આ વર્ષે એક હજાર વર્ષ પૂરા થયા છે. સોલંકીકાળના શિલ્પ-સ્થાપત્ય માટે જગવિખ્યાત આ મંદિરનું બાંધકામ વિક્રમ સંવત ૧૦૮૩માં પૂરું થયું હતું. ઈતિહાસકારોના મતે ઈસવીસન ૧૦૨૬-૨૭માં આ મંદિરનું નિર્માણ થયું હતું.
અફઘાનિસ્તાનના ગઝનીથી મહમૂદ સોમનાથ આવ્યો તે દરમિયાન પશ્ચિમ ભારતમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મોટો આઘાત થયો હતો. ઈતિહાસકારો નોંધે છે કે મહમૂદ વંટોળિયાની જેમ આવ્યો અને ચાલ્યો ગયો, પરંતુ એટલા સમયમાં અનેક રાજાઓના સિંહાસનો ડોલી ગયા હતા. ભારતના રાજાઓએ મહમૂદ સામે સંગઠિત થઈને સામનો ન કર્યો અને પોતપોતાની રીતે પ્રતિકાર કર્યો, પણ તેને રોકી શક્યા નહીં.
એવો જ પ્રતિકાર તે વખતના પાટણના રાજા ભીમદેવ સોલંકીએ કર્યો હતો. ભીમદેવે મહમૂદ જતો હતો ત્યારે તેની પાછળ પડીને હુમલા કર્યા હતા. મહમૂદ સોમનાથ લૂંટીને પાછો ફર્યો તે પછી ભીમદેવે ફરીથી પોતાનું રાજ્ય મેળવ્યું અને સોમનાથનું મંદિર ફરીથી બંધાવ્યું.
તે જ વર્ષે ભીમદેવે મોઢેરામાં સૂર્યમંદિરનું બાંધકામ પણ શરૂ કરાવ્યું હતું. તે વખતની ગુજરાતની પ્રજાને લાગેલા ધાર્મિક આઘાતની પીડામાંથી રાહત આપવા માટે એક તરફ સોમનાથ મંદિરની જૂની ભવ્યતા પાછી લાવવાની કવાયત શરૂ થઈ, તો બીજી તરફ મોઢેરામાં ભવ્ય સૂર્યમંદિર બનવાનું શરૂ થયું.
સૂર્યમંદિર મોઢેરામાં જ કેમ બન્યું તે અંગે અલગ અલગ ધારણાઓ છે. મહમૂદે ચઢાઈ કરી ત્યારે મોઢેરાથી ભીમદેવના ૨૦ હજાર સૈનિકોએ પ્રતિકાર કર્યો હતો અને એ સૈનિકો ધર્મની રક્ષા માટે ખપી ગયા હતા. મોઢેરામાં સૂર્યમંદિર બનાવવાનું એક કારણ આ પણ ગણાય છે.
મહમૂદના સૈન્યને વિખેરવા માટે જે હુમલા થયા હતા તેનો વ્યૂહ ભીમદેવે મોઢેરાથી બનાવ્યો હતો. મોઢેરાએ ભીમનું શાસન પાછું લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ભીમદેવ સૂર્યવંશી રાજા હતા, એટલે તેમણે સૂર્યમંદિર બાંધવા માટે મોઢેરા પસંદ કર્યું હતું. મોઢેરાનું સ્થાન પણ એક કારણ ગણાય છે. ૨૩.૬ અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક આવેલા મોઢેરામાં વર્ષના કેટલાય મહિનાઓ સૂર્યના સીધા કિરણો પડતા હોવાથી ખગોળવિદોએ ભીમદેવને આ સ્થળની ભલામણ કરી હતી. સૂર્યનો પ્રકાશ મંદિરમાં અંદર આવે તે પ્રકારના બાંધકામ માટે આ સ્થળ યોગ્ય હતું.
ભારતના પ્રાચીન ખગોળવિજ્ઞાનના આધારે આ મંદિર બનાવાયું હતું. મંદિરમાં ભગવાન સૂર્યની સોનાની મૂર્તિ એવી રીતે બનાવવામાં આવી હતી કે સવારે પહેલું સૂર્યકિરણ મંદિરમાં પ્રવેશીને બરાબર સૂર્યની મૂર્તિ પર પ્રકાશ પાથરતું હતું. વીજળીની શોધ થઈ ન હતી તેના સેંકડો વર્ષો પહેલાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે સૂર્યોદય થાય તે સાથે જ આખું મંદિર ઝળહળી ઉઠતું હતું. આજે પણ સૂર્યમંદિરમાં એ જ રીતે સૂર્યપ્રકાશ ગર્ભગૃહ સુધી દાખલ થાય છે. બાંધકામ એવી રીતે થયું છે કે મંદિરની બરાબર ઉપર સૂર્ય તપતો હોય ત્યારે મુખ્ય મંદિરનો પડછાયો જમીન પર દેખાતો નથી. દર વર્ષે ૨૧મી માર્ચે અને ૨૩મી સપ્ટેમ્બરે સૂર્યોદય થાય ત્યારે પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે છે.
સૂર્યમંદિરના મુખ્ય ત્રણ ભાગ છે. એક છે ગર્ભગૃહ, જેમાં ભગવાન સૂર્યની સોનાની મૂર્તિ હતી. કહેવાય છે કે પછીની સદીઓમાં થયેલા વિદેશી આક્રમણોમાં આ મૂર્તિ લૂંટાઈ ગઈ હતી અને મંદિરને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું. મંદિરનો બીજો ભાગ છે કીર્તિતોરણ સાથેનો સભામંડપ. સભામંડપમાં બાવન સ્તંભ છે, જે વર્ષના બાવન સપ્તાહનું પ્રતીક છે. એક હજાર વર્ષ પહેલાં પણ વર્ષના બાવન સપ્તાહની સચોટ ગણતરી સોલંકીકાળના ખગોળવિદોએ કરી હતી. અત્યારનું પ્રચલિત ઈસવીસન કેલેન્ડર પણ ત્યારે આજના સ્વરૂપમાં ન હતું, એ અર્થમાં સૂર્યની ગતિનું આ જ્ઞાન વિદ્વાનોને આશ્ચર્યમાં મૂકે છે.
મંદિરનો ત્રીજો હિસ્સો છે સૂર્યકુંડ. આ લંબચોરસ સૂર્યકુંડના પથ્થરોની ઝીણવટપૂર્વકની નકશી હજાર વર્ષ પૂર્વેના સ્થપતિઓની કલાસૂઝનો પરિચય આપે છે. સૂર્યકુંડ રામકુંડના નામે પણ ઓળખાય છે. પૂર્વથી પશ્ચિમ સુધી ૧૨૦ ફૂટ અને ઉત્તરથી દક્ષિણ સુધી ૧૭૫ ફૂટમાં ફેલાયેલા કુંડમાં નીચે ઉતરી શકાય તે માટે બધી તરફથી પગથિયા બનાવાયા છે. સૂર્યમંદિરમાં દર્શન કરતાં પહેલાં તે વખતે સૂર્યકુંડમાંથી ભગવાન સૂર્યને જળની અંજલિ આપવામાં આવતી હતી. સૂર્યકુંડના પગથિયાની આસપાસ નાના-નાના ૧૦૮ મંદિરો છે, જેમાં ગણેશ, વિષ્ણુ, નટરાજ સહિતના દેવતાઓને સ્થાન અપાયું છે. આખાય મંદિરની બહાર ભારતીય મંદિરોમાં હોય છે એ રીતે દેવી-દેવતાઓની સેંકડો મૂર્તિઓ કોતરવામાં આવી છે.