સત્ય. સાહસ. સંકલ્પ.

લખનઉના વેપારીની હત્યાની આરોપી મોડલ શ્રદ્ધા દુબે નાગપુરથી ઝડપાઈ, બહેન અને ડ્રાઇવર પણ કસ્ટડીમાં

લખનઉના વેપારીની હત્યાની આરોપી મોડલ શ્રદ્ધા દુબે નાગપુરથી ઝડપાઈ, બહેન અને ડ્રાઇવર પણ કસ્ટડીમાં

લખનઉના વેપારી શિવા શર્માની હત્યાની આરોપી અને તેની લિવ-ઇન પાર્ટનર મોડલ શ્રદ્ધા દુબેની મંગળવારે નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. શ્રદ્ધા 11 દિવસથી ફરાર હતી. યુપી STFએ તેની બહેન રશ્મિ અને ડ્રાઇવર દાનિશની પણ ધરપકડ કરી છે.

9 ઓક્ટોબરે વેપારી શિવા શર્માનું લખનઉના અવધ ગ્રીન એપાર્ટમેન્ટના ચોથા માળેથી શંકાસ્પદ સંજોગોમાં પડી જવાથી મોત થયું હતું. ત્યારબાદ શ્રદ્ધા તેની બહેન અને ડ્રાઇવર સાથે ફરાર થઈ ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધા, તેની બહેન અને ડ્રાઇવર પહેલાં કારથી દિલ્હી પહોંચ્યાં હતાં અને ત્યારબાદ ફ્લાઇટ દ્વારા મહારાષ્ટ્ર ગયાં હતાં. દાવો છે કે શ્રદ્ધા લખનઉથી સીતાપુર થઈને બહરાઇચના માર્ગે નેપાળ પહોંચી ગઈ હતી. 18 ઓક્ટોબરે તે નેપાળથી પરત ઉત્તર પ્રદેશ આવી હતી અને તેનું છેલ્લું લોકેશન આગ્રામાં મળ્યું હતું.

ફરાર રહેવા દરમિયાન શ્રદ્ધાએ 12 કલાકની અંદર 3 વીડિયો જાહેર કર્યા હતા, જેમાં તેણે પોતાને નિર્દોષ ગણાવી હતી અને કોઈપણ કાવતરાનો ઇનકાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે શિવા ઘણા કર્જમાં હતો અને તેણે આત્મહત્યા કરી હતી.

તેણે ANI ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે શિવાની હત્યા કરી નથી, શિવા તેની આંખો સામે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી ગયો હતો. પોતાના વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે શિવા પર 15થી 20 લાખ રૂપિયાનું દેવું હતું અને લેણદારોના ફોનથી તે પરેશાન રહેતો હતો. તેણે પોલીસને કોલ ડિટેલની તપાસ કરવાની માગ કરી હતી.

શ્રદ્ધાના જણાવ્યા મુજબ, 9 ઓક્ટોબરની સવારે બંનેએ સાથે ચા પીધી હતી. તે દિવસે શિવાએ પહેલી વાર વોશરૂમનો દરવાજો બંધ કર્યો, ત્યારે તેને શંકા ગઈ. તેણે પોતાની બહેનને અંદર જોવા મોકલી, પરંતુ તે પહોંચે એ પહેલાં જ શિવા બાલ્કનીમાંથી કૂદી ગયો.

શ્રદ્ધાએ સવાલ ઉઠાવ્યો કે કોઈ પોતાના જ ફ્લેટમાંથી કોઈને નીચે શા માટે ફેંકશે. તેણે કહ્યું કે શિવાને ગુમાવવાનું દુઃખ તેને પણ છે અને મીડિયાને હેરાન ન કરવાની અપીલ કરતાં તેણે પોતાની માનસિક પરેશાની વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભાસ્કરે 12 ઓક્ટોબરે જ જણાવી દીધું હતું કે શ્રદ્ધા પોતાના જૂના મિત્ર સાથે નેપાળ ભાગી ગઈ છે. શિવા શર્માના મૃત્યુ પહેલાંના 2 વીડિયો પણ ગુરુવારે સામે આવ્યા હતા.