કેન્દ્ર સરકારે મોબાઈલ રિચાર્જને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026 લાવ્યા છે. આ નવા નિયમો હેઠળ હવે પ્રીપેડ ગ્રાહકોને પૂરા 30 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન મળશે. આ પહેલા મોટાભાગની કંપનીઓ 28 દિવસની વેલિડિટી આપતી હતી, જેના કારણે ગ્રાહકોને વર્ષમાં 13 વખત રિચાર્જ કરાવવો પડતો હતો. હવે 30 દિવસની વેલિડિટી થતાં વર્ષમાં ફક્ત 12 રિચાર્જ કરાવવાના પડશે. આનાથી સામાન્ય લોકોના પૈસાની સીધી બચત થશે.
આ નવા નિયમનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેમને મોબાઈલમાં ઈન્ટરનેટની જરૂર નથી. હવે તમામ ટેલિકોમ કંપનીઓએ ફક્ત Voice (કોલિંગ) અને SMS આધારિત સસ્તા પ્લાન પણ ઓફર કરવા પડશે. ખાસ કરીને સાદો ફીચર ફોન વાપરતા વડીલો અને એવા લોકો કે જેઓ માત્ર વાતચીત અને મેસેજ માટે ફોન વાપરે છે, તેઓ પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ ઓછી કિંમતનો પ્લાન પસંદ કરી શકશે.
આ નિર્ણય સાંસદ રાઘવ ચઢ્ઢાની રજૂઆત બાદ આવ્યો છે. તેમણે 11 માર્ચે સંસદમાં સામાન્ય નાગરિકોની રિચાર્જ સંબંધિત સમસ્યા ઉઠાવી હતી અને ગ્રાહકો માટે સસ્તા તથા વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. તેમણે આ નિર્ણય બદલ કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)નો આભાર પણ વ્યક્ત કર્યો છે.
TRAIએ સ્પષ્ટ કર્યું છે કે દરેક મોબાઈલ યુઝરને મોંઘા ડેટા બંડલ પ્લાનની જરૂર હોતી નથી. તેથી દરેક ગ્રાહકને પોતાની આર્થિક ક્ષમતા મુજબ પ્લાન પસંદ કરવાની સુવિધા મળવી જોઈએ. 2024માં બારમો સુધારો લાવ્યા બાદ પણ બજારમાં ફક્ત કોલિંગ અને SMS વાળા ટૂંકા ગાળાના પ્લાનની અછત હતી. મોટાભાગના પ્લાન લાંબા ગાળાના હતા, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે વિકલ્પો મર્યાદિત બની ગયા હતા. હવે આ તેરમા સુધારાથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટૂંકા ગાળાના અને સસ્તા રિચાર્જ પ્લાન સરળતાથી ઉપલબ્ધ બનશે.