ઘણા લોકો વિચારે છે કે ફોનના અનલિમિટેડ 5G ડેટાથી ઘરનું Wi-Fi ચલાવી લેવાય તો બેવડો ખર્ચ બચે. ટેકનિકલી આ શક્ય છે, પણ લાંબા ગાળે આ જુગાડ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ફોનને કાયમી રાઉટર બનાવવામાં કેટલીક અડચણો છે. 24 કલાક હોટસ્પોટ ચાલુ રાખવાથી બેટરી ઝડપથી ખતમ થાય છે અને ફોન ગરમ થઈને તેની ઉંમર ઘટે છે. ફોન પર કોલ આવે ત્યારે હોટસ્પોટ કનેક્શન તૂટી જાય છે, જેથી સ્માર્ટ ટીવી કે લેપટોપ ડિસ્કનેક્ટ થઈ જાય છે. તમે ફોન લઈને બહાર જાઓ ત્યારે ઘરના બીજા સભ્યો માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય છે.
મોબાઇલ કંપનીઓનો અનલિમિટેડ 5G ડેટા વાસ્તવમાં ફેયર યુસેજ પોલિસી (FUP) હેઠળ આવે છે. મોટા ભાગના પ્લાનમાં મહિને 200થી 300 GB સુધીનો જ વપરાશ માન્ય હોય છે. સામાન્ય બ્રોડબેન્ડ Wi-Fiમાં મહિને 1થી 3 TB કે તેથી વધુ ડેટા મળે છે. ઘરમાં 4K વિડિયો સ્ટ્રીમિંગ, ઓનલાઇન ગેમિંગ કે સતત ડાઉનલોડિંગ થતું હોય તો મોબાઇલ ડેટા થોડા દિવસોમાં ખતમ થઈ શકે છે.
રાઉટરની સરખામણીએ મોબાઇલ હોટસ્પોટની રેન્જ ઓછી હોય છે, તેથી આખા ઘરમાં મજબૂત સિગ્નલ મળતા નથી. એક સામાન્ય રાઉટર સાથે 30થી 50 ડિવાઇસ જોડાઈ શકે છે, જ્યારે હોટસ્પોટ સાથે 4થી 5 ગેજેટ્સ જોડાતાં જ સ્પીડ ધીમી પડે છે અને લેટન્સી વધે છે.
આ સેટઅપ ક્યારે કામ આવે? જૂનો કે વધારાનો સ્માર્ટફોન ઘરમાં ચાર્જિંગ પર રાખી શકાય, ઘરનો માસિક ઇન્ટરનેટ વપરાશ 200 GBથી ઓછો હોય, અને સ્માર્ટ ટીવી કે CCTV જેવા સતત ઇન્ટરનેટ વાપરતા ઉપકરણો ન હોય અને ફક્ત 2થી 3 મોબાઇલ જોડવાના હોય ત્યારે આ વિકલ્પ ચાલી શકે.
પરંતુ ઘરમાં ઓફિસ કામ, અભ્યાસ અને સ્માર્ટ ઉપકરણોનો વધુ વપરાશ હોય તો અવિરત ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ ફાઇબર Wi-Fi જ સૌથી વિશ્વાસપાત્ર અને યોગ્ય વિકલ્પ છે.