પુણે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ રાજ ઠાકરે વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહેશ મોટેને પકડીને માફી મંગાવી છે. આ ઘટના પુણેના કાત્રજ વિસ્તારમાં બની હતી.
MNSના હડપસર વિધાનસભા ક્ષેત્રના ઉપવિભાગ અધ્યક્ષ શુભમ જગદાલના જણાવ્યા અનુસાર, મહેશ મોટેએ સોશિયલ મીડિયા પર રાજ ઠાકરે વિરુદ્ધ અપશબ્દો અને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વિડિયો બનાવ્યા બાદ તે 15-20 દિવસ માટે કેરળ ચાલ્યો ગયો હતો. ગત રાત્રે તે પુણેના કાત્રજ વિસ્તારમાં પરત ફર્યો હોવાની બાતમી મળતાં જ MNS કાર્યકરોએ તેને કાત્રજની એક પાર્કમાંથી ઝડપી લીધો અને MNSના જનસંપર્ક કાર્યાલય ખાતે લઈ આવ્યા.
કાર્યાલયમાં કાર્યકરોએ તેના ચહેરા પર કાળો કૂચડો ફેરવ્યો, માથા પર ચંપલ મુકાવીને ઉઠક-બેઠક કરાવી. તેમજ રાજ ઠાકરેની તસવીર સામે નાક રગડાવીને બિનશરતી માફી મંગાવી હતી. આ દરમિયાન મહેશ મોટેએ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતાં પોતાની ભૂલ સ્વીકારી હતી.
ઘટના બાદ મહેશ મોટેનો એક માફીનામાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે રડતો નજરે પડી રહ્યો છે. તેણે વીડિયોમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં રહીને રાજ ઠાકરે કે MNS પાર્ટી વિરુદ્ધ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. તેણે હાથ જોડીને માફી માંગી અને લોકોને અપીલ કરી કે તેને હવે વધુ પરેશાન ન કરવામાં આવે.
MNS નેતા શુભમ જગદાલેએ આ મામલે ચેતવણી આપતાં કહ્યું કે કાર્યાલયમાં તેને MNSની ખાસ શૈલીમાં 'મહાપ્રસાદ' આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં જો કોઈ પણ વ્યક્તિ MNS પ્રમુખ રાજ સાહેબ ઠાકરે વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણી કરશે, તો પાર્ટી તેને આ જ પ્રકારે કડક જવાબ આપશે.