સત્ય. સાહસ. સંકલ્પ.

મિઝોરમમાં ઉંદરોના ઘોડાપૂરે ભૂખમરો લાવ્યો, એક ઉંદર મારવા પર 20 પૈસા ઇનામ

મિઝોરમમાં ઉંદરોના ઘોડાપૂરે ભૂખમરો લાવ્યો, એક ઉંદર મારવા પર 20 પૈસા ઇનામ

ઓક્ટોબર 1958ની વાત છે. ત્યારે મિઝોરમ આસામનો ભાગ હતું. મિઝોરમના પહાડી વિસ્તારોમાં એક ખાસ જાતનો વાંસ અચાનક ફૂલો અને ફળોથી લચી પડ્યો. રોજ અગણિત ફળોના બીજ જમીન પર પડતા અને ઉંદરો તેને ખાવા તૂટી પડતા.

પેટભરીને ખોરાક મળતાં જ ઉંદરોની વસતી બેફામ વધવા લાગી. લોકો વાંસના જંગલોને 'ઉંદરોનું જંગલ' કહેવા લાગ્યા. છ મહિના પછી વાંસના ફળ પૂરા થઈ ગયા, પણ ઉંદરો ખૂટ્યા નહીં. ભૂખમરો મિઝો હિલ્સના ગામેગામ ફેલાઈ ચૂક્યો હતો. આ દુષ્કાળને 'મૌતમ' કહેવામાં આવ્યો.

લાલથનસાંગા નામના એક ખેડૂતે રાતના 8 વાગ્યે મશાલ અને વાંસના ફંદા સાથે ખેતરમાં જઈને ઉંદરો સામે લડવાનું શરૂ કર્યું. તેણે 400-500 ઉંદરો માર્યા, પણ સવાર થતાં આખું ખેતર વેરાન થઈ ચૂક્યું હતું. આ માત્ર એક ખેતરની નહીં, સમગ્ર મિઝોરમની સ્થિતિ હતી.

સરકારે એક ઉંદર મારવા બદલ 20 પૈસાનું ઇનામ રાખ્યું. પુરાવા તરીકે પૂંછડી લાવવાની રહેતી. સી. રોખુમા નામના એક શિક્ષકે અભિયાન શરૂ કર્યું. સમગ્ર મિઝોરમમાંથી લોકોને જોડ્યા. કુલ મળીને 21 લાખ પૂંછડીઓ જમા થઈ, છતાં ઉંદરોનું ઘોડાપૂર અટક્યું નહીં.

મિઝોરમના માહિતી અને જનસંપર્ક વિભાગના સંયુક્ત નિયામક ખાવવેલ્થાંગાએ પાછળથી અમેરિકન મેગેઝિન 'વેનિટી ફેર'ને જણાવ્યું કે સેંકડો લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. સેંકડો લોકો ઝાડના પાંદડા ખાઈને દિવસો કાઢવા લાગ્યા.

મિઝોરમના એક પહાડ પર રહેતો 15 વર્ષનો જોરામથાંગા પણ આ બધું જોઈ રહ્યો હતો. એ જ જોરામથાંગા, જે આગળ જતાં ત્રણ વખત મિઝોરમના મુખ્યમંત્રી બન્યા. તેમણે પોતાની આત્મકથા 'ફ્રોમ ગેરિલા ફાઇટર ટુ ચીફ મિનિસ્ટર'માં લખ્યું કે સ્થાનિક નેતાઓએ આસામ સરકારને ચેતવણી આપી હતી— તુરંત રાહત નહીં મળે તો પરિસ્થિતિ બેકાબૂ બની જશે.

રાહત પહોંચી, પણ એટલી ઝડપે નહીં જેટલી ઝડપે ભૂખમરો ફેલાઈ રહ્યો હતો. ધીમે ધીમે મિઝો પ્રજાને લાગવા માંડ્યું કે આ સંકટની ઘડીમાં તેમની વાત સાંભળનાર કોઈ નથી.

આખરે આઈઝોલની ઝાલેન કેબિનમાં કેટલાક યુવાનો ગુપ્ત બેઠક માટે એકઠા થયા— ન કોઈ મંચ, ન ઝંડો, ન ભાષણબાજી. સવાલ બસ એક જ— ભૂખથી મરી રહેલા લોકોને કેવી રીતે બચાવવા? લાંબી ચર્ચા પછી 'મિઝો નેશનલ ફેમિન ફ્રન્ટ' (MNFF) બનાવવાનો નિર્ણય લેવાયો— પહેલો ઉદ્દેશ્ય રાહત પહોંચાડવાનો હતો, પાછળથી તેને રાજકીય સંગઠનમાં ફેરવી દેવાનો હતો.

મિઝો લોકોના જાણીતા નેતા પૂ ડેન્થુઆમા તેના પ્રમુખ બન્યા અને નોકરી છોડીને પક્ષમાં જોડાયેલા લાલડેંગા સચિવ બન્યા. MNFFના કાર્યકરો ભૂખ્યા લોકો સુધી અનાજ પહોંચાડવા લાગ્યા અને રાશન લૂંટાતું અટકાવવા લાગ્યા. ધીમે ધીમે લોકોને વિશ્વાસ બેઠો કે કોઈ તો છે જે તેમની પડખે ઊભું છે. આ જ વિશ્વાસ આગળ જતાં MNFFની સૌથી મોટી તાકાત બન્યો.

1960 સુધી આવતાં આવતાં મિઝો લોકોમાં આસામ અને કેન્દ્ર સરકાર સામે ભારે નારાજગી વ્યાપી ચૂકી હતી— સંકટમાં કોઈએ સાથ ન આપ્યો, આ ભાવના મિઝો પ્રજાના મનમાં ઘર કરી ગઈ હતી. તેમનો વિશ્વાસ MNFF પર વધી ચૂક્યો હતો. 22 ઓક્ટોબર 1961ના રોજ MNFFએ પોતાના નામમાંથી 'ફેમિન' (દુષ્કાળ) શબ્દ હટાવી દીધો. નવું નામ પડ્યું— 'મિઝો નેશનલ ફ્રન્ટ'.