ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક ICCની તાજી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર-1 બોલર બન્યા છે. તેમણે દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસેનને પાછળ છોડી દીધા છે. કેપટાઉન ટેસ્ટમાં 9 વિકેટ લેતા પહેલાં સ્ટાર્ક બીજા સ્થાને હતા.
વ્હાઇટ-બૉલ ક્રિકેટની રેન્કિંગમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને ફાયદો થયો છે. ભારતના શ્રેયસ અય્યર T-20 ઇન્ટરનેશનલ બેટર્સની રેન્કિંગમાં બે સ્થાન ઉપર ચઢીને સાતમા સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ, પાકિસ્તાનના શાહીન આફ્રિદી અને હારિસ રઉફે પણ વનડે બોલરોની રેન્કિંગમાં સુધારો કર્યો છે.
ભારતીય T-20 કેપ્ટન શ્રેયસે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી T-20માં 23 બોલમાં 50 રન બનાવ્યા હતા.
સ્ટાર્કે બીજી વખત નંબર-1નું સ્થાન મેળવ્યું છે. તેમણે પહેલીવાર ઑગસ્ટમાં ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું હતું, ત્યારે તેમણે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પાછળ છોડ્યા હતા. જોકે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસેને તેમની જગ્યા લઈ લીધી હતી. યાનસેને ગકેબરહા ટેસ્ટમાં 6 વિકેટ લઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, પરંતુ કેપટાઉનમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. તેમણે માત્ર 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ સ્ટાર્ક ફરીથી ટોચ પર પહોંચી ગયા.
દક્ષિણ આફ્રિકાના ઑફ સ્પિનર સિમોન હાર્મરે ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં 9 સ્થાનની છલાંગ લગાવી છે. તેઓ સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમણે ઑસ્ટ્રેલિયા સામેની કેપટાઉન ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી અને આ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
યાનસેન ટેસ્ટ ઑલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત્ છે. તેમણે ત્રીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારીને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ મેળવી છે. દક્ષિણ આફ્રિકાના વિયાન મુલ્ડર આ કેટેગરીમાં ત્રીજા અને હાર્મર પાંચમા સ્થાને પહોંચી ગયા છે.
ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન અને એલેક્સ કેરી પણ ટેસ્ટ બેટર્સની રેન્કિંગમાં ઉપર ચઢ્યા છે. બંને સંયુક્ત રીતે 19મા નંબર પર પહોંચી ગયા છે. વેસ્ટ ઇન્ડિઝના જસ્ટિન ગ્રીવ્સને 12 સ્થાનનો ફાયદો થયો છે. તેઓ સંયુક્ત રીતે 38મા નંબર પર પહોંચી ગયા છે. બાંગ્લાદેશ સામની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની 8 વિકેટે જીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટેસ્ટ બેટર્સની રેન્કિંગમાં રાયન રિકેલ્ટનને 25 સ્થાનનો ફાયદો થયો છે. તેઓ 23મા નંબર પર પહોંચી ગયા છે. એડન માર્કરમ 11મા અને મુલ્ડર 17મા નંબર પર છે.
પાકિસ્તાનમાં તાજેતરમાં રમાયેલી વનડે ટ્રાઈ સિરીઝ બાદ બોલરોની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. પાકિસ્તાનના કેપ્ટન શાહીન આફ્રિદી એક સ્થાન ઉપર ચઢીને પાંચમા નંબર પર પહોંચી ગયા છે. હારિસ રઉફને 5 સ્થાનનો ફાયદો થયો છે અને તેઓ 24મા નંબર પર છે. પાકિસ્તાનના ઓપનર ફખર જમાન વનડે બેટર્સની રેન્કિંગમાં 9 સ્થાન ઉપર ચઢીને 37મા નંબર પર પહોંચી ગયા છે. ઇંગ્લેન્ડના બેન ડકેટ છઠ્ઠા અને શ્રીલંકાના પવન રત્નાયકે 16મા નંબર પર છે.
ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ બેટર્સની રેન્કિંગમાં 13 સ્થાન ઉપર ચઢીને 24મા ક્રમે પહોંચી ગયા છે. બોલરોમાં મિચેલ સેન્ટનર પાંચમા અને જેકબ ડફી 23મા ક્રમે છે. T-20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝઈને પણ ફાયદો થયો છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ તેઓ ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.