સત્ય. સાહસ. સંકલ્પ.

મિચેલ સ્ટાર્ક ટેસ્ટમાં 450 વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યો

મિચેલ સ્ટાર્ક ટેસ્ટમાં 450 વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યો

દક્ષિણ આફ્રિકા સામે ગકેબેરહામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ પૂરી કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેણે વિયાન મુલ્ડરને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી.

સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ લેનારો દુનિયાનો પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યો છે. આ સાથે તે 450 ટેસ્ટ વિકેટ મેળવનારો બીજો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પણ બન્યો છે.

સ્ટાર્ક પહેલાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ 414 વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ડાબોડી ફાસ્ટ બોલર હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોમાં શેન વોર્ન 708 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ નાથન લિયોન 573 વિકેટ સાથે બીજા અને ગ્લેન મેકગ્રા 563 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.

મિચેલ સ્ટાર્કે માત્ર 109 ટેસ્ટ મેચોમાં 450 વિકેટ પૂરી કરી છે. આ સાથે તે સૌથી ઓછી મેચોમાં 450 ટેસ્ટ વિકેટ લેનારા ઓસ્ટ્રેલિયન બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચ્યો છે. ગ્લેન મેકગ્રાએ 100મી ટેસ્ટમાં અને શેન વોર્ને 101મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ ગુમાવીને 361 રન બનાવ્યા છે. એક સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ 40 રન પર 4 વિકેટ અને 92 રન પર 5 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. કેપ્ટન ટેમ્બા બવુમા 155 રન પર અણનમ છે, જ્યારે ઓલરાઉન્ડર માર્કો યાનસેન 85 રન બનાવીને આઉટ થયો. સ્પિનર સાયમન હાર્મર 42 રન પર કેપ્ટન સાથે રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે પાંચ વિકેટ લીધી છે.