સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી મિચેલ સેન્ટનર બહાર, હાથમાં ફ્રેક્ચર

ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી મિચેલ સેન્ટનર બહાર, હાથમાં ફ્રેક્ચર

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને ભારત સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવાના સમયે મોટો ફટકો લાગ્યો છે. ટીમના વ્હાઇટ-બોલ કેપ્ટન અને અનુભવી સ્પિન ઑલરાઉન્ડર મિચેલ સેન્ટનર જમણા હાથમાં ફ્રેક્ચર થતાં આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

રવિવારે ભારત સામેની પાંચમી અને છેલ્લી વન-ડેમાં બેટિંગ કરતી વખતે સેન્ટનરના હાથમાં બોલ વાગ્યો હતો. ત્યારબાદ કરાવાયેલા સ્કેનમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે મીડિયા રિલીઝ બહાર પાડીને આ માહિતી આપી છે.

સેન્ટનરની જગ્યાએ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના સ્પિન ઑલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટને ટોમ લાથમની આગેવાની હેઠળની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફોક્સક્રોફ્ટે મે મહિનામાં આયર્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં 98 રન બનાવ્યા હતા. 129 બોલની તેમની આ ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તેમની બેટિંગ સરેરાશ 98 અને સ્ટ્રાઇક રેટ 75.96 રહ્યો હતો. ફોક્સક્રોફ્ટે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા મુજબ, સેન્ટનર મેદાન પર ક્યારે પરત ફરી શકશે તેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. ભારત સામેની ટેસ્ટ સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં સેન્ટનરની ઉપલબ્ધતા અંગે બોર્ડ પછીથી અપડેટ આપશે.

ઉલ્લેખનીય છે કે ભારત સામેની પાંચ મેચની વન-ડે સિરીઝમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ ઇજાઓથી પરેશાન રહી હતી અને તેના ઘણા પ્રમુખ ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. ટીમે આ સિરીઝ 1-3થી ગુમાવવી પડી હતી.