સત્ય. સાહસ. સંકલ્પ.

મિસિસિપી નદીમાં ક્રૂઝ શિપ અને ટેન્કર વચ્ચે અથડામણ, અડધું જહાજ પાણીમાં ડૂબ્યું

મિસિસિપી નદીમાં ક્રૂઝ શિપ અને ટેન્કર વચ્ચે અથડામણ, અડધું જહાજ પાણીમાં ડૂબ્યું

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ પોર્ટ પાસે મિસિસિપી નદીમાં શુક્રવારે (13 નવેમ્બર) એક ગંભીર અકસ્માત થયો હતો. એક ટેન્કરે ક્રૂઝ શિપ 'ધ અમેરિકન હેરિટેજ'ને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ક્રૂઝ શિપ એક તરફ નમી ગઈ અને તેનો અડધો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો.

ઘટનાના વીડિયોમાં દેખાય છે કે જહાજમાં પાણી ભરાતાં મુસાફરો પોતાનો જીવ બચાવવા રેલિંગને મજબૂતીથી પકડીને ઊભા રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમો અને આસપાસની નાની બોટો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, ક્રૂઝ શિપનું નામ 'ધ અમેરિકન હેરિટેજ' છે, જ્યારે ટક્કર મારનાર ટેન્કરનું નામ 'એટલાન્ટિક એસ્ફાલ્ટ' છે. ક્રૂઝ શિપમાં આશરે 129 મુસાફરો બેસી શકે છે, પરંતુ ટક્કર વખતે જહાજ પર કેટલા લોકો સવાર હતા તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે 'ધ અમેરિકન હેરિટેજ' ડોકની ઘણી નજીક હતું, ત્યારે ટેન્કરે આવીને તેને ટક્કર મારી દીધી. ટક્કર લાગતાં જ ક્રૂઝ શિપ ઝડપથી એક તરફ નમી ગઈ અને તેનો મોટો હિસ્સો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો. ઘણા મુસાફરો લાઇફ જેકેટ પહેરીને પાણીમાં તરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો ડૂબતા જહાજની રેલિંગ પકડીને પોતાને સંભાળવાનો પ્રયાસ કરતા હતા. આસપાસની નાની બોટોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

શરૂઆતી અહેવાલો અનુસાર, બચાવ કર્મચારીઓએ નદીમાંથી એક ડઝનથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટક્કર પહેલાં ઘણા મુસાફરો જહાજમાંથી નીચે ઉતરી ચૂક્યા હતા, પરંતુ અંદર કેટલા લોકો ફસાયા છે તે સ્પષ્ટ નથી.

અકસ્માતના સમાચાર મળતાં જ ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી તેજ કરી હતી. લુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ સ્થાનિક અધિકારીઓ અને પોલીસના સંપર્કમાં છે અને પોતે ન્યૂ ઓર્લિયન્સ જવા રવાના થયા છે.

આ અકસ્માત મિસિસિપી નદીના અત્યંત વ્યસ્ત હિસ્સામાં થયો છે. ટક્કરનું અસલી કારણ, મુસાફરોની હાલત અને જહાજને થયેલા નુકસાનની વિગતો હજુ આવવાની બાકી છે.

સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો ઝડપથી ફેલાયો છે. લોકોએ ચિંતા વ્યક્ત કરી છે અને મુસાફરો તથા ક્રૂની સલામતી માટે પ્રાર્થના કરી છે. એક યુઝરે લખ્યું કે આ ઘટના ખૂબ ડરામણી છે, તો અન્યે ટેન્કરની બેદરકારી તરફ ધ્યાન દોર્યું છે.