‘મિસ વર્લ્ડ 2026’નો ગ્રાન્ડ ફિનાલે આજે વિયેતનામના દરિયાકાંઠાના શહેર ન્હા ટ્રાંગમાં યોજાશે. આ સ્પર્ધામાં વડોદરામાં ભણેલી નિકિતા પોરવાલ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતમાં આ પેજન્ટનું લાઇવ પ્રસારણ ડિઝની+ હોટસ્ટાર પર થશે, જે સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે.
આ બ્યુટી પેજન્ટની 73મી આવૃત્તિ છે અને તે મિસ વર્લ્ડ સંસ્થાની 75મી વર્ષગાંઠની ઉજવણી સાથે યોજાઈ રહી છે.
ગયા વર્ષે પણ ‘મિસ વર્લ્ડ’નો ફિનાલે હૈદરાબાદમાં યોજાયો હતો, જેમાં થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ ખિતાબ જીત્યો હતો. ઇથોપિયાની હાસેટ ડેરેજ ફર્સ્ટ રનર-અપ, પોલેન્ડની માજા ક્લાજ્ડા સેકન્ડ રનર-અપ અને માર્ટિનિકની ઓરેલી જોઆચિમ થર્ડ રનર-અપ રહી હતી.
છેલ્લી આવૃત્તિમાં ભારતની નંદિની ગુપ્તા ટોપ-20 સુધી પહોંચી હતી અને તેણે ‘ટોપ મોડલ’નો ખિતાબ પણ જીત્યો હતો. આ ઉપરાંત, બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને તેમના સામાજિક કાર્યો બદલ ‘મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
‘મિસ વર્લ્ડ’ સ્પર્ધાનો ઇતિહાસ જોતાં, આ સ્પર્ધા 1951માં બિકીની કોન્ટેસ્ટ તરીકે શરૂ થઈ હતી. બ્રિટિશ ટીવી હોસ્ટ એરિક મોર્લેએ ‘ફેસ્ટિવલ ઓફ બ્રિટન’ દરમિયાન ભીડ ખેંચવા આ કોન્ટેસ્ટ યોજ્યો હતો, જેને પાછળથી વિદેશી મીડિયાએ ‘મિસ વર્લ્ડ’ નામ આપ્યું. પ્રથમ વિજેતા સ્વીડનની કીકી હાકાન્સન બની હતી.
શરૂઆતના વર્ષોમાં આ સ્પર્ધા લંડનમાં યોજાતી હતી અને તેને ધર્મ તથા સમાજ વિરુદ્ધ ગણાવીને ઘણા દેશોએ તેનો વિરોધ કર્યો હતો. 1970માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ફિનાલે દરમિયાન નારીવાદી વિરોધકર્તાઓએ મંચ પર લોટના બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે સમારોહ થોડા સમય માટે રોકવો પડ્યો હતો.
તે જ વર્ષે ગ્રેનાડાની જેનિફર હોસ્ટન ‘મિસ વર્લ્ડ’ જીતનારી પ્રથમ અશ્વેત મહિલા બની હતી, પરંતુ તેના પરિણામને લઈને પણ વિવાદ થયો હતો. આજે આ સ્પર્ધા માત્ર સૌંદર્ય જ નહીં, પરંતુ સામાજિક કાર્ય અને નેતૃત્વની ક્ષમતાને પણ મહત્વ આપે છે.