વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા 'મિસ યુનિવર્સ 2026'ની 75મી આવૃત્તિ પ્યુઅર્ટો રિકોમાં શરૂ થઈ ગઈ છે. 24 નવેમ્બરના રોજ સેન જુઆનના જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમમાં ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જોકે, આ વખતે સ્પર્ધા ગ્લેમર કરતાં વિવાદો, 15 દેશોના બહાર થવા અને ભારત-પાકિસ્તાનની સુંદરીઓ વચ્ચેની ટક્કરને કારણે ચર્ચામાં છે.
ભારત તરફથી કેરળની 19 વર્ષીય કાઝિયા લિઝ મેજો પ્રતિનિધિત્વ કરી રહી છે, જ્યારે પાકિસ્તાને લાહોરની મિસ્બાહ અરશદને મેદાનમાં ઉતારી છે.
કાઝિયા લિઝ મેજો કેરળના માવેલિકારાની રહેવાસી છે. તેમણે 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં 52 સ્પર્ધકોને હરાવીને 'મિસ યુનિવર્સ ઇન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. અબુ ધાબીમાં ઉછરેલી કાઝિયા કાયદાનો અભ્યાસ કરી રહી છે. તે 12 વર્ષથી ક્લાસિકલ ડાન્સની તાલીમ લઈ રહી છે અને સિંગર, ડ્રમ્સ અને વાયોલિન વગાડવાનો શોખ ધરાવે છે. અગાઉ તે 'મિસ ટીન દિવા 2024' અને 'મિસ ટીન ઇન્ટરનેશનલ 2025'માં ફર્સ્ટ રનર-અપ રહી ચૂકી છે. હવે તેની નજર ભારતને ચોથો મિસ યુનિવર્સ ખિતાબ અપાવવા પર છે.
મિસ્બાહ અરશદ પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે અને મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની છે. તેણે ફિલિપાઈન્સમાં યોજાયેલી સ્પર્ધામાં 'મિસ યુનિવર્સ પાકિસ્તાન 2026'નો તાજ જીત્યો હતો. અગાઉ તેણે જાપાનમાં 'મિસ ઇન્ટરનેશનલ 2023'માં પણ ભાગ લીધો હતો. તેણે ભારતની કાઝિયાની જીત પર અભિનંદન પાઠવીને ખેલદિલી દર્શાવી હતી.
ગ્રાન્ડ ફિનાલે પહેલા જ 15 દેશો સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. ફ્રેન્ચાઈઝી અને કોર્પોરેટ સ્તરે ચાલી રહેલા વિવાદોને કારણે થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, લાઓસ, સિંગાપોર અને મલેશિયા ભાગ લઈ શક્યા નથી. 'મિસ યુનિવર્સ ઓસ્ટ્રિયા' વિક્ટોરિયા એમર્સને પોતાના મૂલ્યો, આત્મસન્માન અને માનસિક-શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી છે. 'મિસ યુનિવર્સ બલ્ગેરિયા' એના મારિયા એક કાર અકસ્માતનો ભોગ બનતા શારીરિક રીતે ભાગ લેવા અસમર્થ હોવાથી તેને બહાર રાખવામાં આવી છે. સેન્ટ માર્ટિનની મેડલી મેરિયને અંગત કારણોસર નામ પાછું ખેંચી લીધું છે. કેટલાક દેશોની સ્પર્ધકોને વિઝા સંબંધિત સમસ્યાઓ પણ નડી છે.
આ વર્ષે મિસ યુનિવર્સની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવો તાજ રજૂ કરવામાં આવ્યો છે, જેને 'ધ રેડિયન્સ ઓફ એન ઇટર્નલ લેગસી' નામ આપવામાં આવ્યું છે. આ તાજમાં જડાયેલા ત્રણ મુખ્ય હીરા મિસ યુનિવર્સના ત્રણ યુગ—ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ડિઝાઇનર જ્યોર્જ વિટલ્સ દ્વારા મેસન ડી'ઓરના સહયોગથી તૈયાર કરાયેલા આ તાજમાં કુલ 3,150 હીરા જડવામાં આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, તાજની સાચી ચમક તેને પહેરનાર મહિલાઓમાં રહેલી હોય છે.