વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા 'મિસ યુનિવર્સ 2026'ની 75મી આવૃત્તિ પ્યુઅર્ટો રિકોમાં શરૂ થઈ ગઈ છે. 24 નવેમ્બરે સેન જુઆનના જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમમાં ગ્રાન્ડ ફિનાલે યોજાશે. આ વખતે સ્પર્ધા ગ્લેમર કરતાં વિવાદો, 15 દેશોના બહાર થઈ જવા અને ભારત-પાકિસ્તાનની સુંદરીઓ વચ્ચેની ટક્કરને કારણે ચર્ચામાં છે.
ભારત તરફથી કેરળની માવેલિકારાની 19 વર્ષીય કાઝિયા લિઝ મેજો ભાગ લઈ રહી છે. તેમણે 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં 52 સ્પર્ધકોને હરાવીને 'મિસ યુનિવર્સ ઇન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. અબુ ધાબીમાં ઉછરેલા કાઝિયા કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને 12 વર્ષથી ક્લાસિકલ ડાન્સની તાલીમ લઈ રહ્યા છે. તેમને સિંગર, ડ્રમ્સ અને વાયોલિન વગાડવાનો શોખ છે. અગાઉ તેઓ 'મિસ ટીન દિવા 2024' અને 'મિસ ટીન ઇન્ટરનેશનલ 2025'માં ફર્સ્ટ રનર-અપ રહ્યા છે. હવે તેમની નજર ભારતને ચોથો મિસ યુનિવર્સ ખિતાબ અપાવવા પર છે.
પાકિસ્તાન તરફથી લાહોરની મિસ્બાહ અરશદ ભાગ લઈ રહી છે. તેઓ સાયકોલોજીનાં વિદ્યાર્થીની છે અને શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. ફિલિપાઈન્સમાં યોજાયેલી સ્પર્ધામાં તેમને 'મિસ યુનિવર્સ પાકિસ્તાન 2026'નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અગાઉ તેઓ જાપાનમાં 'મિસ ઇન્ટરનેશનલ 2023'માં પણ ભાગ લઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે તેમણે ભારતની કાઝિયાની જીત પર અભિનંદન પાઠવીને સુંદર ખેલદિલી બતાવી હતી.
એક તરફ સુંદરીઓ તાજ જીતવા માટે મહેનત કરી રહી છે, તો બીજી તરફ ગ્રાન્ડ ફિનાલે પહેલા જ 15 દેશો સ્પર્ધામાંથી બહાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. બ્રેન્ચાઈઝી અને કોર્પોરેટ સ્તરે ચાલી રહેલા વિવાદોને કારણે થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, લાઓસ, સિંગાપોર અને મલેશિયા સહિત 6 એશિયન દેશો આ વર્ષે ભાગ લઈ શકશે નહીં. 'મિસ યુનિવર્સ ઓસ્ટ્રિયા' વિક્ટોરિયા એમર્સને પોતાના મૂલ્યો, આત્મસન્માન તેમજ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી છે. 'મિસ યુનિવર્સ બલ્ગેરિયા' એના મારિયા એક કાર અકસ્માતનો ભોગ બનતા શારીરિક રીતે સ્પર્ધામાં ભાગ લેવા અસમર્થ હોવાથી આયોજકોએ તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને બહાર રાખવાનો નિર્ણય લીધો છે. સેન્ટ માર્ટિનનું પ્રતિનિધિત્વ કરી રહેલી મેડલી મેરિયને પોતાના અંગત કારણોસર સ્પર્ધામાંથી નામ પાછું ખેંચી લીધું છે. આ ઉપરાંત અન્ય કેટલાક દેશોની સ્પર્ધકોને વિઝા સંબંધિત સમસ્યાઓ નડી છે.
આ વર્ષે મિસ યુનિવર્સની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક અદભુત નવો તાજ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેને 'ધ રેડિયન્સ ઓફ એન ઇટર્નલ લેગસી' નામ આપવામાં આવ્યું છે. આ તાજમાં જડાયેલા ત્રણ મુખ્ય હીરા મિસ યુનિવર્સના ત્રણ યુગ—ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે એ મહિલાઓને સન્માનિત કરે છે જેમણે ઇતિહાસ રચ્યો છે, આજે પ્રેરણા આપે છે અને આવતીકાલનું ઘડતર કરશે. પ્રખ્યાત ડિઝાઇનર જ્યોર્જ વિટલ્સ દ્વારા મેસન ડી'ઓરના સહયોગમાં તૈયાર કરાયેલા આ ભવ્ય ક્રાઉનમાં કુલ 3150 હીરા જડવામાં આવ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ તાજનો દરેક ચમકતો હીરો સપના, શક્તિ અને વારસાની કહાની કહે છે, કારણ કે કોઈપણ તાજની સાચી ચમક તેને પહેરનાર મહિલાઓમાં રહેલી હોય છે.