સત્ય. સાહસ. સંકલ્પ.

મિર્ઝાપુર ફિલ્મ રિવ્યૂ: મુન્નાનું પાગલપન, કાલીન ભૈયાની ધીરજ, ગુડ્ડુનો ગુસ્સો; વાર્તા ખેંચાઈ પણ

મિર્ઝાપુર ફિલ્મ રિવ્યૂ: મુન્નાનું પાગલપન, કાલીન ભૈયાની ધીરજ, ગુડ્ડુનો ગુસ્સો; વાર્તા ખેંચાઈ પણ

‘મિર્ઝાપુર’ની દુનિયામાં કાયદાથી વધુ ચાલે છે બંદૂક, અને બંદૂકથી પણ વધુ ચાલે છે યોગ્ય સમયે કરેલી ચાલ. ત્રણ સીઝન બાદ આ દુનિયા હવે OTTમાંથી નીકળીને મોટા પડદા પર આવી છે. ડિરેક્ટર ગુરમીત સિંહે આ ફિલ્મને માત્ર સિરીઝનો લાંબો એપિસોડ બનાવવાનું ટાળ્યું છે અને તેને સિનેમેટિક સ્વરૂp આપ્યું છે. જોકે, 3 કલાક 17 મિનિટની આ ફિલ્મના કેટલાક સીન મોટા પડદા પર ખૂબ અસરકારક છે, તો કેટલીક જગ્યાએ વાર્તા ગંતવ્ય સુધી પહોંચવામાં જરૂર કરતાં વધુ સમય લે છે.

ફિલ્મની વાર્તા સિરીઝની ટાઈમલાઈન વચ્ચેનો એક અધ્યાય છે. જૂના પાત્રો અને તેમના સંબંધો વચ્ચે ઉમેરાયેલી નવી રમતમાં કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી) માટે સત્તા એ વારસો છે. ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) બદલો અને તાકાતમાં જીવે છે, અને મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ શર્મા)ની હાજરી આખા સમીકરણને ખતરનાક બનાવે છે. આ ફિલ્મમાં રવિ કિશનનો બબ્બુઆ યાદવ નવો રંગ લાવે છે, તો રસિકા દુગ્ગલની બીના પણ પોતાની ચાલ ચાલે છે. આ જ તો મિર્ઝાપુરની ખાસિયત છે — અહીં દરેક પાત્ર કોઈને કોઈ રમતનો ખેલાડી છે.

વાર્તા મિર્ઝાપુરની ગલીઓથી નીકળીને રાજસ્થાનના રણ સુધી પહોંચે છે. બદલો, સત્તા, છેતરપિંડી અને વર્ચસ્વની આ લડાઈમાં જૂની દુશ્મની અને નવા સમીકરણો સામસામે આવે છે. પુનીત કૃષ્ણાનું લેખન હજુ પણ ફ્રેન્ચાઇઝીની કરોડરજ્જુ છે — ડાયલોગ માત્ર વાત નથી, પાત્રની ઓળખ બની જાય છે. અંધારી દુનિયામાંથી નીકળતું દેશી હાસ્ય ફિલ્મને સતત ગંભીર બનતા અટકાવે છે.

પરંતુ સ્ક્રીનપ્લેમાં આ જ તણાવ છે. પાત્રો વધારે, સંબંધો વધારે અને સમીકરણો વધારે — તેમને સંભાળવાના પ્રયાસમાં બીજા ભાગમાં વાર્તા પોતાના જ ચક્કરમાં ફરે છે. જો કેટલાક ભાગો ટૂંકા કરવામાં આવ્યા હોત, તો ફિલ્મ વધુ અસરકારક બની શકી હોત.

અભિનયની વાત કરીએ તો દિવ્યેન્દુ શર્માનું મુન્નાનું મિશ્રણ — બેદરકારી, પાગલપન અને ખતરનાક નિર્દોષતા — હજુ પણ કામ કરે છે. પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાના રૂપમાં ઓછું બોલે છે, પણ દ્રશ્ય પર કબજો જમાવે છે. અલી ફઝલનો ગુડ્ડુ હવે વધુ કઠોર છે — તેના ગુસ્સામાં બદલો તો છે જ, સાથે સત્તાની ભૂખ પણ છે. રવિ કિશનની એન્ટ્રી ફિલ્મમાં જરૂરી ઊર્જા ઉમેરે છે; તેમનો દેશી અંદાજ અને આક્રમકતા મિર્ઝાપુરમાં નવો સ્વાદ લાવે છે. રસિકા દુગ્ગલ, જિતેન્દ્ર કુમાર, અભિષેક બેનર્જી, રાજેશ તૈલંગ જેવા કલાકારો પણ પોતાના પાત્રોને જીવંત રાખે છે.

મોટા પડદા પર મિર્ઝાપુરની બંદૂકોની અસર OTT કરતાં અલગ છે. ગોળીઓનો અવાજ, મારામારી અને લોહીલુહાણ સીન થિયેટરમાં વધુ અસર કરે છે. રાજસ્થાનના રણમાં ફિલ્મનો પ્રી-ક્લાઇમેક્સ દૃષ્ટિની રીતે પ્રભાવશાળી છે, પણ વાર્તાના સ્તરે તે સાધારણ છે.

એકંદરે, ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ’ તેના ચાહકોને નિરાશ નથી કરતી, પરંતુ જે તીવ્રતા OTT સિરીઝમાં હતી, તે અહીં થોડી ઓછી જોવા મળે છે. લાંબી લંબાઈ અને વચ્ચે વચ્ચે ખેંચાયેલા ભાગોને કારણે ફિલ્મ પોતાની અસર ગુમાવે છે.