પૂર્વાંચલમાં ભૌકાલ મચાવ્યા બાદ મિર્ઝાપુરના કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત હવે પશ્ચિમમાં સામ્રાજ્ય ફેલાવવા માટે તૈયાર છે. 2018થી ઘરે ઘરે જાણીતી બનેલી સિરીઝ 'મિર્ઝાપુર' હવે ફિલ્મ તરીકે રજૂ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે તેની સ્ટારકાસ્ટ અમદાવાદ આવી હતી.
HOCCO આઈસ્ક્રીમના બુલેટ આઈસ્ક્રીમ લોન્ચ ઇવેન્ટ દરમિયાન પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા અને જીતેન્દ્ર કુમારે ફિલ્મ વિશે વાત કરી. HOCCO ના ફાઉન્ડર અંકિત ચોન પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિરીઝ અને ફિલ્મ વચ્ચેના તફાવત વિશે ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે કહ્યું, 'પાત્રો એ જૂના છે, પણ ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે નવી છે. ફિલ્મમાં ફ્લેવર નવા છે, એસન્સ એ જ છે.'
મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માએ કહ્યું, 'અમારા તરફથી ચાહકો માટે આ ભેટ છે. તેમણે ત્રણ સિઝનમાં અમને જે પ્રેમ આપ્યો છે, તેના બદલામાં અમે ફિલ્મ લઈને આવ્યા છીએ. જ્યારે સિરીઝ શરૂ થઈ ત્યારે ઓટીટી પણ શરૂ થઈ રહી હતી. અમે અને ઓટીટી સાથે વિકસ્યા.'
સિરીઝની લોકપ્રિયતા વિશે દિવ્યેન્દુએ ઉમેર્યું, 'મિર્ઝાપુર માત્ર હિંસાને કારણે પસંદ નથી, તેમાં કૌટુંબિક સંબંધો, રાજકારણ, નાટક છે. દરેક પાત્રમાં ગ્રે શેડ્સ છે, સ્ત્રીઓ પણ દયાની મૂર્તિ નથી. લેખક અને દિગ્દર્શકે પાત્રોના વર્તન વિશે યોગ્ય કારણ આપ્યું છે.'
કાલીન ભૈયાના પાત્ર વિશે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું, 'કાલીન ભૈયા પ્રતિક્રિયાશીલ નથી, પણ જવાબદાર છે. તેની લાગણીઓ તરત બહાર દેખાતી નથી. તે શાંત રહીને નિર્ણય લે છે. મેં ત્રણ સિઝનમાં આ ગુણ આત્મસાત કર્યો છે.'
ફિલ્મમાં બબલુ પંડિતની ભૂમિકા જીતેન્દ્ર કુમાર ભજવી રહ્યા છે, જે અગાઉ વિક્રાંત મેસ્સીએ કરી હતી. જીતેન્દ્રએ કહ્યું, 'વાર્તા સાંભળીને તે તાજી લાગી. ફિલ્મમાં એક્શન, ડ્રામા અને ભાવનાત્મક જોડાણ છે. મને ખુશી છે કે પ્રથમ યુટ્યુબ સિરીઝ અને હવે પ્રથમ ફિલ્મમાં મારો સમાવેશ થયો.'
ફિલ્મમાં 9 ગીતો છે, જેમાં નુસરત ફતેહ અલી ખાનનું પ્રખ્યાત ગીત 'સાંસો કી માલા'નું પુનર્નિર્માણ પણ સામેલ છે, એમ અલી ફઝલે જણાવ્યું.