સત્ય. સાહસ. સંકલ્પ.

19 ફૂટ લાંબા અને 90 કિલો વજનના અજગર સાથે અમેરિકન ઈન્ફ્લુએન્સરની કુસ્તી, વીડિયો વાયરલ

19 ફૂટ લાંબા અને 90 કિલો વજનના અજગર સાથે અમેરિકન ઈન્ફ્લુએન્સરની કુસ્તી, વીડિયો વાયરલ

અમેરિકાના જાણીતા વાઇલ્ડલાઇફ ઈન્ફ્લુએન્સર માઈક હોલ્સ્ટન (Mike Holston) એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ 19 ફૂટ લાંબા અને આશરે 90 કિલો વજન ધરાવતા અજગર સાથે કુસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માઈક હોલ્સ્ટન સોશિયલ મીડિયા પર 'Therealtarzann' તરીકે જાણીતા છે અને તેઓ વારંવાર જંગલી પ્રાણીઓ સાથેના પોતાના અનુભવો ચાહકો સાથે શેર કરતા રહે છે. આ વખતે તેમણે એક વિશાળ અજગર સાથેનો વીડિયો શેર કર્યો છે, જેમાં અજગર તેમના આખા શરીરને ભીંસમાં લેતો દેખાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અજગર પોતાનું મોં પહોળું કરીને માઈક પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને તેને દબોચી લેવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે અજગરમાં ઝેર હોતું નથી, પરંતુ તેની પકડ એટલી શક્તિશાળી હોય છે કે તે શિકારના હાડકાં તોડીને તેનો શ્વાસ રૂંધી શકે છે. આ વીડિયોમાં પણ અજગરે માઈકના શરીર પર ધીમે-ધીમે કબજો જમાવી લીધો હતો.

માઈકે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, "આ અત્યાર સુધીની કોઈ સાપ સાથેની મારી સૌથી અઘરી અને ખતરનાક લડાઈ હતી."

જ્યારે અજગર આક્રમક બનીને માઈકના ગળા અને શરીરને પોતાની ભીંસમાં લઈ રહ્યો હતો, ત્યારે માઈકની હાજરબુદ્ધિ અને કુશળતા કામ આવી. માઈક રેસલિંગની કુશળતા ધરાવે છે, તેથી તેમણે અજગરની પકડમાંથી છૂટવા માટે યોગ્ય દાવપેચનો ઉપયોગ કર્યો. આખરે, ઘણા પ્રયત્નો બાદ તેઓ અજગરની મજબૂત પકડમાંથી મુક્ત થવામાં સફળ રહ્યા.

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો માઈકની હિંમત અને રેસલિંગ કૌશલ્યના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકવાના આ સ્ટંટ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, "સાપની તાકાત અદ્ભુત છે, તેને બરાબર ખબર છે કે શિકારને કેવી રીતે જકડવો." જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, "હવે સમજાયું કે તમે અસલી રેસલિંગ મેચમાં ક્યારેય નર્વસ કેમ નથી થતા!"

આ વીડિયો હાલ ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો તેને 'જીવન અને મરણ વચ્ચેની લડાઈ' તરીકે વર્ણવી રહ્યા છે.