ગાયક મીકા સિંહે પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ પર બોલિવૂડ ફિલ્મ 'બોર્ડર 2'ના પ્રમોશનને લઈને સવાલ ઉઠાવ્યા છે. મીકાનું કહેવું છે કે દિલજીતે આ ફિલ્મનું પૂરતું પ્રમોશન કર્યું નથી.
મીકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે દિલજીત પાકિસ્તાની અભિનેત્રી સાથેની ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, પણ 'બોર્ડર 2' જેવી દેશની મહત્ત્વપૂર્ણ ફિલ્મ માટે પ્રમોશન કરતા નથી. તેમણે કહ્યું, 'મને દિલજીતથી કોઈ ઈર્ષ્યા નથી, પરંતુ હું તેની સફળતાથી ગર્વ અનુભવું છું. દલેર મહેંદી પછી પાઘડી પહેરીને ગાયક તરીકે ઓળખ બનાવનાર દિલજીત ઉત્તમ કામ કરી રહ્યા છે. તેમ છતાં, જ્યારે તમે બોલિવૂડમાં કામ કરો છો, ત્યારે તેનું પ્રમોશન કેમ નથી કરતા? 'બોર્ડર 2' ભારતની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે અને તેના વિશે સોશિયલ મીડિયા પર વાત ન કરવી તે યોગ્ય નથી.'
જોકે, દિલજીતે ડિસેમ્બર 2025માં આ ફિલ્મનો ફર્સ્ટ લુક અને શૂટિંગના બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યા હતા.
મીકાએ દિલજીતની ફિલ્મ 'સરદાર જી 3'નો પણ ઉલ્લેખ કર્યો, જેમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ છે. ગત વર્ષે પહલગામ આતંકી હુમલા બાદ ભારતમાં આ ફિલ્મની રિલીઝ અને પાકિસ્તાની કલાકારોની હાજરીને લઈને મોટો વિવાદ થયો હતો. આ અગાઉ પણ મીકાએ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
પોતાની 2019ની કરાચી યાત્રા અને તેના પર થયેલા વિવાદ વિશે વાત કરતા મીકાએ કહ્યું, 'હું કોઈ ચોરી-છૂપીથી વિઝા વગર પાકિસ્તાન નહોતો ગયો, પરંતુ તે સમયે બંને દેશોના સંબંધો સારા હતા અને હું કાનૂની રીતે ત્યાં ગયો હતો.'